પેટલાદનું ગામતળ કચરાના હવાલેઃ ઠેરઠેર કચરાના ઢગ ખડકાયા
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના ગામતળ વિસ્તારોમાં નિયમિત સફાઈના અભાવને કારણે ઠેર ઠેર કચરાના ઢગ ખડકાઈ ગયા છે.
પાલિકા દ્ધારા સેનેટરી વિભાગ પાછળ દર વર્ષે અંદાજીત રૂપિયા પોણાં ચાર કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવતો હોવા છતાં નગરની સફાઈ સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ઉપરાંત નગરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની ઘટના પણ વારંવાર બનતી હોવાના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
પેટલાદ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં સૌથી વધુ મહેકમ છે. જેથી આ વિભાગ પાસે સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપર વાઈઝર, મુકાદમ, સફાઈ કામદારો વગેરે જેવા કર્મચારીઓ મોટી સંખ્યામાં છે. આ તમામ કર્મચારીઓ અને સફાઈ કામદારોના પગાર પાછળ દર વર્ષે પાલિકાને અંદાજીત રૂ.૧.૭૫ કરોડ જેટલો ખર્ચ થાય છે.
સેનેટરી પાસે ટ્રેક્ટરો, કચરા કલેક્શન વાન વગેરે જેવા વાહનો પણ વધુ હોવાથી વર્ષે રૂ.૨૫ લાખ જેટલો ખર્ચ લુબ્રિકેટીંગ અને વાહનોના રિપેરીંગ પાછળ લગભગ ત્રણેક લાખ જેટલો ખર્ચ થતો આવ્યો છે. આ બધા જ ખર્ચા ઉપરાંત સૌથી મોટો ખર્ચ કચરો ઉઠાવવાનો થતો હોય છે.
શહેરના નવ વોર્ડના તમામ વિસ્તારોમાંથી કચરો ઉઠાવવા પાછળ પાલિકાને દર વર્ષે અંદાજીત રૂ.૧.૭૫ કરોડ જેટલો જંગી ખર્ચ થતો હોય છે. છતાં શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળે છે. પેટલાદના શેખડી રોડ, મલાવ ભાગોળ, કાજી પુરા, ખંભાતી ભાગોળ, ખારાકુવા, દાણાં બજાર, ખોડીયાર ભાગોળ વગેરે વિસ્તારોમા
જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ જાેવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ફેલાયેલા કચરાના ઢગલામાંથી ગાય, બકરી વગેરે જેવા પશુઓ ખોરાક શોધતા હોવાને કારણે ઘણાં વિસ્તારોમાં ગંદકી પણ ફેલાતા રહીશોમાં આક્રોશ હોવાનું જાણવા મળે છે. રાજમાર્ગોની સફાઈ નિયમિત કરી પાલિકાનું સેનેટરી વિભાગ સંતોષ માને છે. પરંતુ ગામતળ વિસ્તારમાં નિયમિત સફાઈ નહીં થતી હોવાની બૂમરાણ પ્રજામાં ઉઠવા પામી છે.