Western Times News

Gujarati News

ફોન કોલ પર રિપ્લાય કરવાનું મહિલાને ભારે પડ્યુંઃ 60 લાખ ગુમાવ્યા

તમારા નામે એક લીગલ નોટિસનું કહ્યુંઃ મહિલાએ સૂચના મુજબ ૨ નંબર દબાવ્યો તો ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

ગાંધીનગર,  ભારતમાં ફોનનો ઉપયોગ કરીને ફ્રોડ આચરનારાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો પોતાની આખા જીવનની બચત આવા ફ્રોડમાં ગુમાવે છે. એટલું જ નહીં, આ ધૂતારાઓ હવે એટલા આધુનિક બની ગયા છે કે તેઓ આઈવીઆર – એટલે કે ઓટોમેટેડ ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સનો ઉપયોગ કરીને લોકોને ઉલ્લુ બનાવીને બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

ગાંધીનગરની એક મહિલા પર ફોન આવ્યો હતો જેમાં તેને કહેવામાં આવ્યું કે તમારા નામે એક લીગલ નોટિસ આવી છે. તમારે વધુ જાણવું હોય તો નંબર ૨ દબાવો. મહિલાએ કૂતુહલવશ ફોનના ડિસ્પ્લે પર ૨ નંબર દબાવ્યા તો તરત તેના ખાતામાંથી લગભગ ૬૦ લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ મળ્યો હતો. ૬૫ વર્ષના મહિલાએ જીવનભરમાં જે મહેનત કરી હતી તે આ રીતે ચોરાઈ ગઈ.

મહિલાનું કહેવું છે કે તેણે કીપેડ પર નંબર દબાવતા જ તેના નામે એક પછી એક ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા અને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાયા. તેનું કહેવું છે કે તેમણે કોઈપણ વેબ લિંક પર ક્લિક નહોતી કરી. સાયબર સેલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી.

સાયબર ફ્રોડમાં હવે નવી નવી ટ્રિક આવતી જાય છે. તેમાં આઈવીઆરનો ઉપયોગ વધ્યો છે. આવી બધી વાતોથી અજાણ લોકોને ફોન આવે છે પછી ચેતવણી અપાય છે કે તમારી સામે લીગલ કેસ થવાનો છે, અથવા કોઈ ફરિયાદ થઈ છે, તમારો માલ કસ્ટમમાં પડ્યો છે, અથવા અમે ટેલિકોમ કંપનીમાથી, કુરિયર સર્વિસમાંથી બોલીએ છીએ, કે પછી વીજ કંપનીમાંથી ફોન કરીએ છીએ એવું કહેવામાં આવે છે. જ્યારે તેમની સૂચની મુજબ કી પેડ દબાવવામાં આવે ત્યારે એકાઉન્ટમાંથી નાણાં ઉઠાવાઈ જાય છે.

પોલીસનું કહેવું છે કે કીપેડ પર ચોક્કસ બટન દબાવવાથી ફ્રોડ કરનારાઓને એક્સેસ મળી જાય છે. તમારા ફોન સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો હોય તેમાં આવું વધારે થાય છે. જે લોકો બેન્કિંગ કરવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરતા હોય તેમની સાથે પણ આવું થઈ શકે છે. ત્યાર પછી ફ્રોડ કરનારાઓ જુદા જુદા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી નાખે છે.

પીડીતને આખી વાતની ખબર પડે ત્યાં સુધીમાં એક પછી એક ટ્રાન્ઝેક્શન થાય છે અને બીજા-ત્રીજા ખાતામાં જતા રહે છે. તેથી તેનું પગેરું શોધવું મુશ્કેલ બની જાય છે. આમ તો તમે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે ઓટીપી આવતો હોય છે, પરંતુ ફ્રોડ કરનારાઓ તમારા ફોનને પણ કન્ટ્રોલ કરી લે ત્યારે તેમના માટે ઓટીપી મેળવવો મુશ્કેલ નથી હોતો.

પોલીસનું કહેવું છે કે આઈવીઆર ફ્રોડ બહુ આધુનિક છે અને તેઓ એઆઈનો ઉપયોગ કરીને પોતાનું કામ પાર પાડે છે. તેથી સામેથી રિયલમાં કોઈ વ્યક્તિ હોય તે પણ જરૂરી નથી. પોલીસની સલાહ છે કે કોઈ પણ શંકાસ્પદ નંબર પરથી કોલ આવે તો આવા કોલને જવાબ ન આપવો, તેમણે કોઈ લિંક મોકલાવી હોય તો તેના પર ક્લિક ન કરવું. ઘણી વખત સામેથી કોલ કરતી વ્યક્તિ રિમોટ એક્સેસ કરવા માટે પીડીતનને કોઈ એપ ડાઉનલોડ કરવા માટે કહે છે. પરંતુ તમારે આમાંથી કંઈ કરવું ન જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.