ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિજેતા ફોટોગ્રાફર્સને ઈનામો એનાયત
રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ‘ફોટો પ્રદર્શન’ ૨૮ ઓગષ્ટ સુધી ખુલ્લું રહેશે
૧૬૦ જેટલી સુંદર તસ્વીરો એક જ સ્થળે નિહાળવાની તક
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મુક્યું હતું. વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંશ્રીએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું તથા 160 જેટલી પ્રદર્શિત તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ તસ્વીરકારોને ઈનામ પણ એનાયત કર્યા હતા. pic.twitter.com/KWk9ugcjnf
— CMO Gujarat (@CMOGuj) August 23, 2022
પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે. શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે શ્રી અમીતભાઈ દવે, શ્રી શૈલેષ સોલંકી અને શ્રી ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે. આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Chief Minister Shri Bhupendra Patel inaugurating the ‘Photo Exhibition’ organized by Photo Journalists Association at Ahmedabad.