“ફૂલ નહીં હમ ચિંગારી હૈ, હમ ભારત કી સન્નારી હૈ”: ભાનુબેન બાબરીયા
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, 15 મુખ્ય સેવિકા અને આંગણવાડી તેડાગર બહેનોનોને માતા યશોદા પુરસ્કાર, 3 મહિલા ઉદ્યમીઓનું એવોર્ડ અર્પણ કરી સન્માન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતમાં મહિલાઓના સમગ્રતયા સન્માન-ગૌરવ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી કરીને નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન હંમેશાં માતા-બહેનો, નારી શક્તિનું સન્માન જાળવવા આપણે પ્રતિબદ્ધ છીએ.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અવસરે સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારીને શક્તિસ્વરૂપા કહી છે. આપણે પણ એ શક્તિસ્વરૂપાનું, તેના કાર્યનું હંમેશા આદર્શ સન્માન કરતા રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.
“હર હાથ કો કામ, હર કામ કા સન્માન”ના મંત્ર સાથે માતા-બહેનોના કાર્ય પ્રદાનને રોજિંદા જીવનમાં પણ સન્માનવા નું તેમણે આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાની મહિલા પશુપાલકોએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે આગવી સિદ્ધિઓ મેળવી છે તેનો ગૌરવસહ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં મહિલા કલ્યાણ માટેની બહુવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાના કાર્ય મંત્ર સાથે મહિલા કલ્યાણ માટે આ વર્ષના બજેટમાં 6064 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે ગયા વર્ષના બજેટ કરતા 23% વધારે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આ અમૃતકાળ મહિલાઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણનો પણ અમૃતકાળ બનાવવા સૌ સહિયારા પ્રયાસો કરીએ તે આવશ્યક છે.
તેમણે રાજ્યની માતૃશક્તિના આશીર્વાદ અને પ્રેમથી ગુજરાતની સતત અવિરત વિકાસયાત્રા વધુ ગતિમાન બનશે એવી અપેક્ષા દર્શાવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 5 માર્ચના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓ, ગૌરવભેર જીવન જીવી શકે, દિન પ્રતદિન પ્તેમનું ગૌરવ વધે, અને તેમના પ્રત્યે સમાજમાં કુરીવાજો, અન્યાય, અત્યાચાર, દુર થાય અને તેમને રક્ષણ મળી રહે, સમાજમાં સમરસ વાતાવરણ બને, દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સામાજીક સમરસતાના હિમાયતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની પ્રેરણાથી શરૂ થયેલું બેટી બચાવો, બેટી –પઢાવો અભિયાન દીકરીઓ ના શિક્ષણ માટેનું જન અભિયાન બની ગયું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સફળ, નિણાર્યક અને પારદશર્ક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યે મહિલાના જીવનચક્રના દરેક તબક્કે સાથે રહી મહિલાની જરૂરીયાત અનુસાર આવશ્યક સેવાઓ અને મદદ પૂરી પાડી રાજ્યની દરેક દીકરી, યુવતી કે મહિલાના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ હાથ ધરી છે.
મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ, નાણાંમત્રી નિર્મલા સીતારામન, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ઉદ્યોગક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કલાક્ષેત્રે, એમ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી વિવિધ ક્ષેત્રમાં મહિલાઓએ ખૂબ જ પ્રગતિ કરી છે.
આ અવસરે રાજ્યની મહિલા ઉદ્યમીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ તથા મહિલા આંત્રપ્રિનિયોરને પ્રોત્સાહન આપવા ૦૩ મહિલા ઉદ્યમીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરી તેમને બિરદાવવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રીના હસ્તે દિકરીને અન્નપ્રાશન કરાવામાં આવ્યું હતું. ઉપરાંત જામનગર અને સાબરકાંઠા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ-લોકાર્પણ, સ્વેયસેવી સંસ્થા અને મહિલા કાર્યકર્તાને ગુજરાત મહિલા વિકાસ એવોર્ડની સન્માનિત કરાયા હતા. આ સાથે 15 મુખ્ય સેવિકા અને આંગણવાડી તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૧૮૧ અભયમ હેલ્પલાઈનની શોર્ટ ફિલ્મનું અનાવરણ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, નિર્ભયા ફંડ હેઠળ ૧૮૧ અભયમ્ હેલ્પલાઈનને ૧૨ ઈનોવા વાહનોનું લોકાર્પણ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, તથા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ૨૦૨૨ના વિજેતા અન્વી ઝાંઝરુકિયાનું સન્માન જેવા નારી શકિત નો મહિમા કરતા કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેષભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપ પટેલ, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ઘારાસભ્ય સર્વે શ્રી રીટાબહેન પટેલ, દર્શના બહેન વાઘેલા, કંચન બહેન રાદડિયા અને અલ્પેશભાઈ ઠાકોર સહિત મહાનુભાવો, વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…