વિદેશ જવાના બહાને દિવ્યાંગ બાળકોના રૂપિયા પડાવ્યા
અમદાવાદ: અમેરિકાના જ્યોર્જિયા ખાતે ડાન્સ કાર્યક્રમમાં લઇ જવાની લાલચ આપીને મેમનગરના નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના ૧૦ દિવ્યાંગ બાળકો અને પાંચ સહાયકો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા ૨૫ હજાર એમ કુલ ૩.૭૫ લાખ રૂપિયા પડાવી લેતા ગઠિયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
મેમનગર ઠાકોરવાસમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નામની દિવ્યાંગ બાળકોની શાળાના સંચાલક નિલેશ પંચાલે પોલીસ ફરિયાદ આપી છે કે અલ્પેશ પટેલ નામના આરોપીએ અમેરિકાના જ્યોર્જિયામાં ત્રણ દિવસ માટે દિવ્યાંગ બાળકોના ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.
જેમાં એક વ્યક્તિ દીઠ રૂપિયા ૨ લાખ ખર્ચ થશે અને આ માટે રૂપિયા ૨૫ હજાર એડવાન્સ આપવા પડશે તેમજ બાકીના રૂપિયા વિઝા આવ્યા બાદ આપવાના રહેશે તેમ જણાવ્યું હતું. આરોપીની આવી વાત બાદ ફરિયાદીએ તેમની શાળામાં વાલીઓની મિટિંગ કરીને આ ટૂર બાબતે જાણ કરી હતી. જેમાં ૧૦ જેટલા બાળકોના વાલી ટૂરમાં જવા માટે તૈયાર હતા. તેમના રૂપિયા ૨૫ હજાર એડવાન્સ તેમજ પાંચ સહાયકના રૂપિયા એમ કુલ મળીને ૩.૭૫ લાખ રૂપિયા સંચાલકને આપ્યા હતા.
જેમાં રૂપિયા ૧ લાખ ૮૦ હજાર રોકડ રૂપિયા અને ૧ લાખ ૯૫ હજારના ચેક ફરિયાદીએ ગઠિયા નિલેશને આપ્યા હતા. જોકે, રૂપિયા મળ્યા બાદ નિલેશ વિઝા લેવા જવા માટે પણ એક પછી એક વાયદા કરવા લાગ્યો હતો. જેથી બાળકોના વાલીઓએ કંટાળીને રૂપિયા પરત માંગ્યા હતા.
ફરિયાદીએ પણ અલ્પેશ પટેલ પાસે રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહીં આપીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી શાળાના સંચાલકે આ બાબતની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજા એક બનાવમાં શહેરના સિંગરવા વિસ્તારમાં ધરમ કરતા ધાડ પડી કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આર્થિક સંકડામણમાં મિત્રને રૂપિયા પાંચ હજાર આપીને મદદ તો કરી પણ જ્યારે રૂપિયા પરત માંગ્યા ત્યારે આ મિત્ર જાણે કે દુશ્મન હોય તેમ યમદૂત બની ગયો હતો. ઉછીના પૈસા લેનાર યુવકે કંઈ જ વિચાર્યા વગર એક પછી એક છરીનાં ઘા મારીને મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો.