PI ના નામે બિલ્ડર પાસેથી નાણાં પડાવવાનું કૌભાંડ
બિલ્ડરની સજાગતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું –વસ્ત્રાપુર પીઆઈના નામે ગઠીયાએ બિલ્ડરને ફોન કરી પિતાની સર્જરી માટે નાણાં મુંબઈ મંગાવ્યા હતાં
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાસ કરીને નોટબંધી બાદ છેતરપીંડીની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે ખાસ કરીને પરપ્રાંતિય વેપારીઓ ઉધારમાં માલ લઈ તેના નાણાં ચુકવવામાં ગલ્લાતલ્લા કરતા હોય છે. છેતરપીંડીની આ ઘટનાઓ વચ્ચે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં એક ભેજાબાજ શખ્સે વસ્ત્રાપુરમાં રહેતા એક વહેપારીને ફોન કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પોલીસ ઈન્સપેકટરના (Vastrapur, Ahmedabad, Gujarat police station police inspector) નામે રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
જાકે વહેપારીને શંકા જતા તેણે તપાસ શરૂ કરી પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર પણ આ વાતથી ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. આરોપીએ વહેપારીને ફોન કરીને આ નાણાં આંગડિયા દ્વારા મુંબઈ મોકલવાનું જણાવ્યું હતું જેના આધારે પોલીસે મુંબઈ સુધી તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા સાશ્વત બંગ્લોઝમાં રહેતા બિલ્ડર મુકેશભાઈએ તાજેતરમાં જ તેના મિત્રની પુત્રી અને પુત્ર વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી યુવક અને યુવતિએ મુકેશભાઈની ઓફિસમાં કામ કરતા હતા.
તે દરમિયાન ખોટી પાવર ઓફ એટર્ની કરી તેમના રહેણાંકનું મકાન તથા અન્ય જમીનો તથા નાણાંકિય બેનામી વ્યવહારો કરી મોટી રકમની છેતરપીંડી આચરી હતી આ અંગે સમયસર જાણ થઈ જતાં મુકેશભાઈએ આ બંને વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી મુકેશભાઈની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મુકેશભાઈની એમડી ડેવલોપર્સ નામની ઓફિસ એસ.જી.હાઈવે પર આવેલી છે અને આ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ પણ કામ કરે છે આ દરમિયાનમાં તેમની સાથે છેતરપીંડીની ઘટના ઘટતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર જાડેજા સાથે વાતચીત થઈ હતી આ વાતચીત દરમિયાન મુકેશભાઈએ એક ચોંકાવનારી વાત પોલીસ ઈન્સ્પેકટર જાડેજાને જણાવી હતી.
બોડકદેવ સાશ્વત બંગ્લોઝમાં રહેતા મુકેશભાઈ પર ગઈકાલે સવારે અજાણ્યા નંબર પરથી કોઈ શખ્સનો ફોન આવ્યો હતો અને આ શખ્સે પોતાની જાતને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર જાડેજા હોવાનું જણાવ્યું હતું અને તેણે ફોન પર કહયું હતું કે તેમના પિતાની બાયપાસ સર્જરી કરવાની હોવાથી તેમને મુંબઈ લાવવામાં આવ્યા છે અને ઓપરેશનનો કુલ ખર્ચ રૂ.૬.પ૦ લાખ થયો છે.
જેમાં રૂ.૧.ર૦ લાખ ખુટે છે તો તાત્કાલિક આ રકમ આંગડિયા મારફતે મુંબઈ મોકલી આપવા જણાવ્યું હતું. મુકેશભાઈ વસ્ત્રાપુર પીઆઈ સાથે વાતચીત કરી હોવાથી તેઓ પરિચયમાં હતા
જેથી તેમણે ફોન કરનાર શખ્સને જણાવ્યું હતું કે હાલ તેઓ ઘરે છે અને થોડીવારમાં ઓફિસે પહોંચી આંગડીયુ કરી દઈશ આ દરમિયાનમાં મુકેશભાઈ ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તેમને શંકા જતા તેમણે વસ્ત્રાપુર પોલીસ ઈન્સ્પેકટર જાડેજા સાથે વાતચીત કરી હતી આ વાતથી પોલીસ ઈન્સ્પેકટર પર ચોંકી ઉઠયા હતા અને તેમણે જણાવ્યું હતું કે આવા કોઈ રૂપિયા તેમણે મંગાવ્યા નથી.
પોલીસ ઈન્સ્પેકટરના નામે બિલ્ડર પાસેથી રૂપિયા પડાવવાનું કૌભાંડ બહાર આવતા વસ્ત્રાપુર પોલીસ ચોકી ઉઠી હતી. સૌ પ્રથમ પોલીસ અધિકારીએ મુકેશભાઈના ફોનમાંથી જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ કરી હતી પરંતુ તે નંબર પણ વસ્ત્રાપુર પોલીસ ઈન્સપેકટરનો ન હતો જેના પરિણામે સૌ પ્રથમ સાયબર સેલની મદદથી આ ફોન નંબરની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલુ હોય તેવુ મનાઈ રહયું છે.
વસ્ત્રાપુર પોલીસ ઈન્સપેકટરના નામે બિલ્ડર પાસેથી રૂપિયા મંગાવવાની ઘટનાથી અધિકારીઓ ચોંકી ઉઠયા છે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુકેશભાઈના ફોનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે જાકે ટુંક સમયમાં જ આરોપીની મહત્વપૂર્ણ વિગતો પોલીસને પ્રાપ્ત થઈ જશે તેવુ મનાઈ રહયું છે.
મુકેશભાઈની સજાગતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે અત્યંત ખાનગીરાહે તપાસ શરૂ કરી છે. આરોપીએ આંગડિયા પેઢી મારફતે ક્યાં નાણાં મોકલવાના છે તે સ્થળની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આમ પોલીસે તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.