પીકઅપ ગાડીમાં ખીચોખીચ ભરીને લઈ જવાતી ભેંસોને બચાવાઈ: ક્લીનર ભાગી ગયો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસે આંટીથી પીકઅપ ગાડીમાં ખીચોખીચ ભરીને વલણ લઈ જતી પાંચ ભેંસો બચાવી હતી.ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર ગાડીનો ડ્રાઇવર ઝડપાઈ ગયો હતો.જ્યારે ગાડીનો ક્લીનર પોલીસને જોઈ ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હતી.
આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી.કરમટિયાને બાતમી મળી હતી કે માતર ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર પીક-અપ ગાડીમાં ઘાસચારા કે પાણીની વ્યવસથા વગર,ક્રુરતા પુર્વક બાંધીને રાત્રીના સમયે નિકળેલ છે.
જેથી પોલીસે કોર્ડન કરી ગાડી રોકી હતી.તેમા ૦૫ નંગ ભેંસોને ખુબ જ ક્રુરતાપુર્વક, ટુંકા દોરડાથી બાંધી, કોઈપણ પ્રકારના ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર બાંધી રાખી હતી.
તે અબોલ પશુઓને આમોદ પોલીસે મુક્ત કરાવી હતી. પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર ડ્રાઇવર મુસ્તાક રહિમ અલી મલેક હાલ રહે.આંટી ગામ,પરબડી ફળીયુ,તા.પાદરા જી.વડોદરા મુળ રહેવાસી.સંતોષી વસાહત,ભરૂચ તા.જી.ભરૂચની અટકાયત કરી હતી.ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યુ હતું કે ગાડીના માલિક ઈલ્યાસ અહેમદ મલેક રહેવાસી આંટી ગામ,જુનો સૈયદવાડો તા.પાદરા જી.વડોદરાના ઘરેથી ભેંસો ભરીને વલણ ગામ જવાનું હતું.
જ્યારે ગાડીનો ક્લીનર તૌસીફ દિવાન રહેવાસી સંતોષી વસાહત ભરૂચ તા.જી. ભરૂચનાઓ પોલીસને દુરથી જોઈ જતા ગાડીમાંથી ભાગી ગયો હતો. પોલીસે પાંચ ભેંસો જેની કિંમત રૂપિયા ૭૫,૦૦૦ પીક અપ ગાડી જેની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૭૫,૦૦૦ ના મુદામાલ જપ્ત કર્યો હતો અને ભેંસોને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.
પોલીસે આરોપીઓ સામે પશુ ઘાતકીપણાનો કાયદો,ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ, સહિત ભારતીય ન્યાય સહિંતાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.