ઓનલાઇન બેટિંગ ગેમ્સ ચલાવનારા સામે આકરાં પગલાં લેવાની PIL રદ
અમદાવાદ, ઓનલાઈન બેટિંગ ગેમ્સ ચલાવનારા લોકો સામે કાયદા હેઠળ આકરાં પગલાં લેવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જે રિટમાં હાઇકોર્ટે અરજી રદ કરી હતી અને આદેશમાં નોંધ્યું હતું કે આ જ મતલબની રિટ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી આ પિટિશન રદ કરવામાં આવે છે.
જોકે અરજદારને એવી છૂટ આપવામાં આવે છે કે તેઓ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ પક્ષકાર તરીકે જોડાવા માટેની અરજી કરી શકે છે. આ કેસમાં અમદાવાદના સુમિત પ્રજાપતિએ હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બે પ્રાઇવેટ ઓનલાઈન ગેમ્સ ડેવલપર ગેલેક્ટ્સ ફનવેર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોબ મીડિયા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.આ અરજી ઉપર સુનાવણીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ ગેમ્સ ચલાવતા લોકો સામે કડક પગલાં લઈને વેબસાઈટ બ્લોક કરવી જોઈએ. લા કમિશન દ્વારા આ સંદર્ભે સરકારને ભલામણો પણ મોકલવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટમાં પણ આ બાબતે અરજી પેન્ડિંગ છે. આ એક રીતે ચાન્સની ગેમ હોવાથી તેને ગેમ્બલિંગ કહી શકાય.સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આ સ્કીલ અને નોલેજની ગેમ છે. વળી આ ગેમ્સ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડતા લોકોને અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા નથી.
ગેમ્સ નિર્માતા કંપનીઓની શરતો અને નિયમો મુજબ તે સ્કીલ અને નોલેજ ગેમ છે. જેમાં સતર્કતા, જ્ઞાન, અનુભવ વેગેરે બાબતો જરૂરી છે. બોમ્બે હાઈકોર્ટના અવલોકન મુજબ તે પેટર્ન સ્કીલ ગેમ મુજબ છે.
ગેમ્બ્લિંગ એક્ટમાં તેનો સમાવેશ થતો નથી.અરજદારે આ ગેમ્સ દરમિયાન પૂછાતા પ્રશ્નોના કેટલાક સ્ક્રીન શોટ કોર્ટ સમક્ષ મૂક્યા હતા. જેના જવાબ આપવામાં ક્યાંય નોલેજની જરૂર નહિ હોવાનું જણાવ્યું હતું. આ પ્રશ્નોના ભારત વર્ષ ૨૦૨૪નો ટી ૨૦ વર્લ્ડકપ જીતશે કે નહિ? નરેન્દ્ર મોદી ૨૦૨૪ની ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બનશે કે નહિ ? કોઈ ફિલ્મ હિટ જશે કે નહિ ? આ બધા ચાન્સના પ્રશ્નો છે.
સરકારી વકીલે દલીલમાં કહ્યું હતું કે ફિલ્મ હિટ જશે કે નહિ તે તેની કાસ્ટ, ડિરેક્ટર વગેરે ઉપર આધાર રાખે છે, આમ તે નોલેજ અને રસનો વિષય છે. હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલાના સમયમાં ન્યુઝ પેપર અને ડીડી ન્યુઝ જ મુખ્યત્વે માહિતીના સ્ત્રોત હતા. હવે માહિતીના નવા સંસાધનો ઉપલબ્ધ થયા છે.SS1MS