ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
(પ્રતિનિધી) અમદાવાદ, આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે
ચૈત્રી નવરાત્રી માં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે. માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે. સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે. જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે.
ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે.ભકતો દ્વારા ચૂંદડી, શ્રીફળ, સાકર પ્રસાદ પણ ધરાવે છે.આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. તો વળી મંદિર તરફથી લોકો માટે જમવાની ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ નવરાત્રી માં આઠમ ના દિવસે હવન પણ થાય છે.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ તરફ આજે વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વિગતો મુજબ મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા તો રાત્રીના સમયે ભજન-કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે આજે ૪ વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી.
મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી.
અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં સવારે સાડા નવ વાગ્યે ઘટ સ્થાપના કરવામાં આવશે.