Western Times News

Gujarati News

પીપળાનું વૃક્ષ ૨૪ કલાક પ્રાણ વાયુ આપે છે 300 થી 400 વર્ષનું આ વૃક્ષનું આયુષ્ય

151 પીપળાના છોડ રોપણ કરી પર્યાવરણ જાગૃતિ નો પ્રેરક સંદેશ આપતી વાલ્લા પ્રાથમિક શાળા…    

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા  પ્રાથમિક શાળા ઇકો ક્લબ અંતર્ગત પર્યાવરણ રક્ષણ અને જાગૃતિના અનેક નવતર સફળ પ્રયોગ કરી રહી છે ,જેમાં ઔષધ બાગ ,છોડ રોપણ , બીજ બોલ નો પ્રયોગ, વોલ પેઇન્ટિંગ ,થ્રી ડી પેન્ટિંગ, ગુણકારી તુલસીના ઘર ઘર ૧૫૦૦ છોડ અર્પણ,

૨૫૦૦ પતંગો પર પર્યાવરણ જાગૃતિ સૂત્ર લેખન,જીવનામૃત રસ સેવન પંચામૃત રસ સેવન,પર્યાવરણ જાગૃતિ પૂતળી ખેલ વગેરે મુખ્ય છે જેમાં શાળાના ઇકો ક્લબ સંચાલક અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે એક  નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જન સમાજને ૧૫૧ ઓક્સિજન ટેન્ક અર્પણ થઈ રહી છે

એટલે કે સમાજની સુખાકારી માટે ૧૫૧ પીપળાના છોડ પુન:રોપણ  કરી ચોક્કસ જગ્યાએ રોપવા આપે છે…..!!!પીપળાનું વૃક્ષ ૨૪ કલાક પ્રાણ વાયુ આપે છે આ વૃક્ષ ૩૦૦ થી ૪૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે તેમાં ઈશ્વરનો સદાય વાસ છે આયુર્વેદિક અને ધાર્મિક દ્રષ્ટિએ તેનો ઘણો મહિમા ગવાયો છે તેવા અતિ ઉપયોગી આ પીપળાના ૧૫૧ છોડને પુનઃ રોપણ કરવાનો એક પ્રયોગ શાળાની ઇકો ક્લબ અંતર્ગત હાથ ધરાયો છે.

જેમાં અવાવરું જગાએ કે દીવાલની તિરાડો માં આપમેળે ઊગી નીકળેલા પીપળાના નાના છોડને મૂળ સાથે ઉપાડી ફરીથી ખાતર માટીની યોગ્ય માવજત સાથે રોપણ કરાશે.લગભગ ત્રણ મહિનાની મહેનત કરી આ પીપળાના છોડ તૈયાર કરેલ છે જે તમામ જાહેર સ્થળોએ રોપણ કરાશે તેમાં પંચાયત કે પાલિકાની ખુલ્લી જગ્યા ,

ગૌચર જગ્યા, સ્મશાન વિસ્તાર ,સોસાયટીના કોમન પ્લોટ ,નદી કે કિનારે આ છોડ રોપણ કરાશે ….!!!  આ પ્રવૃત્તિ કરનાર પણ આ દુનિયામાં નહીં હોય તો પણ પીપળાના છોડ જન સમાજને..સમગ્ર જીવ સૃષ્ટિને વર્ષો સુધી જીવાડશે. ઑક્સિજન(પ્રાણવાયુ)પૂરો પાડી જીવન આધાર બનશે.આમ,વાલ્લા પ્રાથમિક શાળા આજે સમાજનું જાણે કે એક “આધાર કાર્ડ” બની રહી છે.

શાળાની ઇકો ક્લબ દ્વારા આઝાદીના અમૃત કાળ અને જી-20 અંતર્ગત યોજાયેલ આ નવતર પ્રયોગમા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -કઠલાલના પ્રાચાર્ય કે.બી.પટેલ,ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ અને નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમારનુ ખાસ માર્ગદર્શન મળ્યું છે.

આ નવતર પ્રયોગને સફળ કરવા પર્યાવરણ મિત્ર‌ હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા, નયનાબેન બ્રહ્મભટ્ટ,સેજલબેન પંડ્યા, સતીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ, નિલેશભાઈ ઝાપડિયા , ભાવિનભાઈ વાઘેલા અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.