‘ગૌરવ ગુજરાતનું’, ‘અંતરંગ’ અને ‘સાંપ્રત સમયનો પડકાર’ પ્રવીણ ક. લહેરીનાં ત્રણ પુસ્તકો – વિમોચન

શ્રી પ્રવીણ ક. લહેરીનો અભિવાદન સમારોહ અમદાવાદમાં યોજાયો
સુશાસન સંવેદનશીલ, વહીવટ લોકાભિમુખ હોવું જોઈએ અને પ્રામાણિક નાગરિકોનું સન્માન થવું જોઈએ : શ્રી પી. કે. લહેરી
- શ્રી પ્રવીણ લહેરીના જીવન અને આચરણને નવલકથાના રૂપમાં લોકો સમક્ષ મૂકવામાં આવે તો યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકશે : સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી
- લહેરી સાહેબ ‘મેન ઓફ ઓલ સિઝન, ફોર ઓલ સિઝન‘ – નર્મદા અને સોમનાથની તેમની અવિસ્મરણીય સેવા ભગવાનના આશીર્વાદ સમાન: પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ, BAPS
- શ્રી પ્રવીણ લહેરી સ્વામી વિવેકાનંદે સૂચવેલા સેવામાર્ગને સમર્પિત વ્યક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ (અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ, અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓનાં મોભી અને સાહિત્યકાર-કટારલેખક શ્રી પ્રવીણ ક. લહેરીના ૮૦મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં એએમએ ખાતે તેમનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી લહેરીનાં ત્રણ પુસ્તકો – ‘ગૌરવ ગુજરાતનું’, ‘અંતરંગ’ અને ‘સાંપ્રત સમયનો પડકાર’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (શિવાનંદ આશ્રમ, અમદાવાદ), અતિથિ વિશેષ તરીકે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી અને પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી (અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લેખકને આશીર્વચન પાઠવ્યા હતા.
શ્રી પ્રવીણ લહેરીએ પોતાના પ્રતિભાવમાં સુશાસનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુશાસન સંવેદનશીલ, વહીવટ લોકાભિમુખ હોવું જોઈએ અને પ્રામાણિક નાગરિકોનું સન્માન થવું જોઈએ.
જાહેર સેવામાં જોડાનાર વ્યક્તિ માટે નોકરી એ મર્યાદા નહીં પરંતુ પ્રેરણાનો સ્ત્રોત બનવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વ્યક્તિએ પોતાના નક્કી કરેલા જાહેર હિતનાં કાર્યો ખંતપૂર્વક કરવા જોઈએ, કારણ કે કામ કરવાથી જ કામ શીખી શકાય છે, જેમ કે પાણીમાં પડવાથી તરતા આવડી જાય છે.
શ્રી લહેરીએ આ સમારોહમાં તેમના વિશે કહેવામાં આવેલી સારી બાબતોનો શ્રેય તેમના જીવનમાં આવેલા અગણિત લોકો અને તેમને મળેલા સહયોગને આપ્યો હતો. તેમણે પરસ્પર સહયોગની ભાવના પર ભાર મૂકતા કહ્યું કે આપણી સફળતામાં અનેક લોકોનો ફાળો હોય છે, કોઈ પણ સફળતા વ્યક્તિગત હોતી નથી. આ પ્રસંગે તેમણે પોતાના માતા-પિતા, પરિવારજનો, ધર્મપત્ની અને સમગ્ર કુટુંબને યાદ કરીને તેમની સફળતામાં દરેક પરિવારજનના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
શ્રી લહેરીએ પોતાના માતાને સમતાની મૂર્તિ અને પિતાને પ્રતાપી તેમજ આઝાદીના લડવૈયા તરીકે યાદ કર્યા હતા. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ તેમના આશીર્વચનમાં જીવનના શાશ્વત નિયમો અને માનવ જીવનની વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે સૃષ્ટિના નિયમ અનુસાર દરેકની ઉત્પત્તિ, વિકાસ અને વિનાશ નિશ્ચિત છે અને ઉંમરમાં વધારો થવો એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
મનુષ્ય અન્ય જીવોથી અલગ એવી બુદ્ધિ અને પૂર્ણ અંતઃકરણ ધરાવે છે, તેથી તેનો સાચો વિકાસ માત્ર ઉંમરમાં નહીં પરંતુ તેના મન અને બુદ્ધિના વિકાસમાં રહેલો છે. વૃદ્ધ થવું સામાન્ય છે, પરંતુ બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ અત્યંત આવશ્યક છે અને લહેરી સાહેબ આવા જ એક વિકસિત ચેતના ધરાવતા સાચા વડીલ છે.
વર્તમાન શિક્ષણ પ્રણાલિ માત્ર આર્થિક ઉપાર્જનનું જ્ઞાન આપે છે, જીવન જીવવાની કળાનું નહીં. તે માત્ર માહિતીનું પ્રસારણ કરે છે. જ્યારે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા વ્યક્તિને સમાજનો એક યોગદાન આપનારો સભ્ય બનાવવા પર ભાર મૂકતી હતી. આ દેશનો દરેક નાગરિક પોતાના અધિકારો અને ભોગને બદલે ફરજ અને ધર્મને સમર્પિત હતો અને લહેરી સાહેબ સાચા અર્થમાં પોતાની ફરજ અને સ્વધર્મને સમર્પિત નાગરિક છે.
જીવન મૂલ્યો માત્ર આદેશો દ્વારા શીખવી શકાતા નથી, પરંતુ આચરણ દ્વારા જ તેનું સિંચન થાય છે. મૂલ્યોને આત્મસાત કરવા માટે આદર્શ વ્યક્તિઓનું હોવું જરૂરી છે અને લહેરીસાહેબ એક એવા જ આદર્શ વ્યક્તિત્વ છે. તેમના સમગ્ર જીવન અને આચરણને જો નવલકથાના રૂપમાં લોકો સમક્ષ મૂકવામાં આવે તો યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકશે.
આવેગો આવવા એ મનુષ્ય સ્વભાવ છે, પરંતુ જે વ્યક્તિ પોતાના આવેગોને નિયંત્રિત કરી શકે છે, તેને ભગવાન કૃષ્ણે સુખી પુરુષ કહ્યો છે. લહેરીસાહેબે ક્રોધ અને ધૃણા જેવા તમામ આવેગોને વશમાં રાખીને તેમને સોંપવામાં આવેલી દરેક જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી છે.
માત્ર પોતાના વિશે વિચારવું એ પશુતા છે, જ્યારે બીજાને આપવા માટે વિશાળ હૃદય રાખવું એ માનવતા છે. લહેરી સાહેબે પોતાના જીવનમાં બીજાઓ માટે પ્રેમ, સમર્પણ અને વિનમ્રતા દાખવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હંમેશાં લહેરીસાહેબ પર રહ્યા છે. વ્યક્તિની ઓળખ તેના સંપર્કમાં રહેલા લોકો પરથી થાય છે. આજે ઉપસ્થિત વિશાળ જનસમુદાય લહેરી સાહેબના અનન્ય વ્યક્તિત્વનો પુરાવો છે.
સ્વામીજીએ લહેરી સાહેબને સૌના પ્યારા અને પોતાના સંપર્કમાં આવનાર દરેકને પ્રસન્ન કરનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા.
તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવતા કહ્યું કે તેમણે લહેરી સાહેબને ખૂબ નજીકથી જોયા છે અને તેમની સાથે અનેક યાદગાર પ્રસંગો જોડાયેલા છે. લહેરી સાહેબે પોતાના કાર્યોથી સૌનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે. સચિવાલયના ઉચ્ચ હોદ્દા પર રહીને તેમણે ગુજરાતની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે.
સ્વામીજીએ લહેરી સાહેબની આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રેની કુશળતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દુકાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ અને અક્ષરધામ પરના હુમલા જેવી અનેક આપત્તિઓમાં તેમણે પ્રશાસન અને સંસ્થાઓને નિષ્પક્ષ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે લહેરી સાહેબને ‘મેન ઓફ ઓલ સિઝન, ફોર ઓલ સિઝન’ ગણાવીને નર્મદા અને સોમનાથની તેમની અવિસ્મરણીય સેવાને ભગવાનના આશીર્વાદ સમાન ગણાવી હતી.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ નીતિશતકમના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, તેમાં ચાર પ્રકારના મનુષ્યોનું વર્ણન છે અને પ્રવીણભાઈ જેવા સત્પુરુષનું અભિવાદન કરવું એ આપણી ફરજ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રવીણભાઈ પોતાનું જીવન સેવા માટે સમર્પિત કરનાર વ્યક્તિ છે અને સ્વામી વિવેકાનંદે પણ સેવા માર્ગને સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું છે. ત્યારે લહેરી સાહેબ જેવા સેવામાર્ગને સમર્પિત વ્યક્તિનું સન્માન કરવું એ એક ગૌરવની વાત છે.
આ પ્રસંગે બોલતા જાણીતા સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ નાનપણથી જ હતો. તેમના પિતાએ તેમને સિવિલ સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી અને તેમના પિતાની ગાંધી વિચારધારા પર લખવાની ઇચ્છાને અંજલિ આપતા પ્રવીણભાઈએ ‘હિંદ સ્વરાજના શિલ્પીકાર ગાંધીજી’ પુસ્તકનું સર્જન કર્યું છે.
ડૉ. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવીણભાઈએ ૪૦ વર્ષ સુધી સરકારમાં સેવા આપી છે અને તેઓ હંમેશાં સક્રિયતાનો સંચાર કરે છે. તેમણે પાંચ મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે અને પોતાના કર્મો થકી પોતાનું આગવું નામ બનાવ્યું છે, જે તેમને એક ઉત્તમ વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે.
સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવીણ ક. લહેરીના લેખન કાર્યને બિરદાવ્યું હતું અને તેમના વિચારો સમાજ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.