વડોદરા એક્સપ્રેસ હાઈવે તેમજ નડિયાદ હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની કારનું ચેકિંગ કરાશે
એમડી ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ આવતું હોવાથી સુરક્ષા એજન્સીઓનો માસ્ટર પ્લાન-ડ્રગ્સના કારોબારને રોકવા એક્શન પ્લાનઃ મહારાષ્ટ્ર પાસિંગની કારનું સઘન ચેકિંગ થશે
અમદાવાદ, શહેરના યુવાઓ નશાખોરીના રવાડે ચઢ્યા છે, જેને રોકવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડીચોટીનું જાેર લગાવી રહ્યાં છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એટીએસ તેમજ સ્થાનિક પોલીસ અવારનવાર એમડી ડ્રગ્સનું વેચાણ કરા લોકોને ઝડપીને જેલ ભેગા કરે છે ત્યારે બીજા લોકો ડ્રગ્સ પેડલર્સ બની જાય છે.
એમડી ડ્રગ્સ મહારાષ્ટ્રથી આવતું હોવાનો મોટા ભાગના કેસોમાં ખુલાસો થયો છે ત્યારે હવે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ એક માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં મહારાષ્ટ્રથી આવતી તમામ ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. વડોદરા એક્સપ્રેસ હાઈવે તેમજ નડિયાદ હાઈવે પર આવતી તમામ મહારાષ્ટ્ર પાસિંગની કારનું ચેકિંગ કરવામાં આવશે.
એસઓજીએ થોડા દિવસ પહેલાં રામોલમાંથી ૧૨ લાખના ૧૨૪ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સિવાય શાહપુર વિસ્તારમાંથી એક સ્વરૂપવાન યુવતી સાથે ત્રણ યુવકોની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
આ સિવાય અનેક ડ્રગ્સ પેડલર્સની ધરપકડ થઈ રહી છે, જેની પાછળ મુંબઈના ડ્રગ્સ માફિયાઓની હાથ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એટીએસ તેમજ સુરક્ષા એજન્સીઓ મુંબઈના ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચી નથી શકતી, પરંતુ તેમને રોકવા માટેનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે.
મુંબઈના ડ્રગ્સ માફિયાઓનો હાઈવે પર રોકી લેવા માટે કેટલીક ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પાસિંગની તમામ શંકાસ્પદ કારને રોકીને તેમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓએ તેમના બાતમીદારો પણ મહારાષ્ટ્રમાં ગોઠવી દીધા છે, જે ડ્રગ્સની માહિતી આપશે.
અમદાવાદ ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે, ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલર્સ અને ડ્રગ્સ ડીલરને પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. ચાલુ વર્ષે કરાયેલા એન ડી.પી.એસ.ના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે,
સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજાે, કફ સિરપ અને એમડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વતાં હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બાંચે ચાલુ વર્ષે ૩૦ થી વધુ કેસ નોંધી ૯૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ડ્રગ્સ પેડલર્સ અને મદદગારી કરનારની ધરપકડ કરી છે
ત્યારે ક્રાઈમ એસઓજી ટીમે પણ ૧૮ કેસ કરી ૪૦ જેટલા પેડલર્સ અને ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. એમડી ડ્રગ્સમાં પોલીસને ચિંતા એટલે છે કે ડ્રગ્સનો નશો કરનાર યુવાઓ પેડલર્સ બની ગયા છે. સુરક્ષા એજન્સીઓએ પકડેલા અમદાવાદના તમામ પેડલર્સ પહેલાં એમડી ડ્રગ્સનો નશો કરતા હતા.