મકાઈના પાકને રોગમુક્ત રાખવા મકાઈની રોગપ્રતિકારક જાતોનું વાવેતર તેમજ દર વર્ષે પાકની ફેરબદલી કરવી જરૂરી
રાજ્યમાં ચોમાસાના આગમન પછી અનેક વિસ્તારોમાં મકાઈનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોના મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમજ તડછારો જેવા રોગોથી રક્ષણ આપવા માટે રોગમુક્ત બિયારણ વાપરવું જોઈએ તેમજ મકાઈની રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદલી કરવી પણ હિતાવહ છે. Planting disease-resistant varieties of maize and crop rotation every year is necessary to keep the maize crop disease-free.
ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોએ મકાઈની ગુ.આ.પી. સં.મ.-૧, ૨, ૩, ગંગા સફેદ-૨, ૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ. ટપકાવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮ ટકા, થાયામેથોકઝામ ૧૯.૮ ટકા એફએસ,
૬ મિ.લિ પ્રતિ કિ.ગ્રા. કીટનાશકના તૈયાર મિશ્રણ પાણીમાં ભેળવીને બીજ માવજત આપી છાંયડે સૂકવીને વાવેતર કરવું જોઈએ. મકાઈમાં ગાભમાસની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર તેમજ ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ. જ્યારે પાછોતરા સુકારા રોગને નિયંત્રણમાં રાખવા માટે ૧,૦૦૦ કિલો પ્રતિ હેક્ટર લીંબોળીનો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવાથી રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે.
થાયરમ ૪૦, એફએસ અથવા થાયરમ ૭૫, ડબ્લ્યુએસ ૨ થી ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી અથવા ટ્રાયકોડમાં ૬ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ માવજત આપીને વાવવાથી મકાઈમાં બીજનો કોહવારો અને ઉગતા છોડનો સૂકારો રોગને અટકાવવી શકાય છે. પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ તેમજ ફીલ આર્મીવોર્મના નિયંત્રણ માટે મકાઈની વાવણી પહેલા ૧૦ થી ૧૫ દિવસે લીમડાનો ખોળ ૨૫૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફુદા નીકળવાનું પ્રમાણ ઘટે છે.
વધુમાં, મકાઈમાં પાછોતરા સૂકારા રોગના નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં કાર્બોફયુરાન ૩જી ૩૩ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવું અને 30 ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ એસડીની પ્રતિ કિલો બીજ દીઠ માવજત આપવી જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે, તેને ભલામણ મુજબ અનુસરવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.