ડ્રોન ટેક્નોલોજીથી ઉત્તર ડાંગ વન વિભાગના દુર્ગમ ક્ષેત્રોમાં કરાયું વાવેતર
(ડાંગ માહિતી )ઃ આહવા, દુર્ગમ વન પ્રદેશમાં કે જ્યાં વન વિસ્તારની ઘનિષ્ઠતા વધારવાની આવશ્યકતા છે. ત્યાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી વ્યાપકપણે વાવેતર કરવાનો નવતર પ્રયોગ ડાંગ વન વિભાગે હાથ ધર્યો છે. વનાચ્છાદિત ડાંગ જિલ્લો વિશિષ્ટ ભૃપૂષ્ઠ ધરાવે છે.
અહી ઊંચા ઊંચા ડુંગરો અને ઊંડી ઊંડી ખીણો તથા કોતરો આવેલા છે.સહ્યાદ્રિની પર્વતમાળાની જ્યાંથી શરૂઆત થાય છે તે ‘પુર્ણા અભિયારણ’ વન વિસ્તારમાં ઘણા દુર્ગમ ક્ષેત્રોમાં કે જ્યાં વનોની ગીચતા વધારવાની આવશ્યકતા છે ત્યાં, ઉત્તર ડાંગ વન વિભાગે ડ્રોન ટેક્નોલોજીની મદદથી ‘સીડ્સ બોલ’ વડે ધનિષ્ટ વાવેતર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે.
નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, જ્યાં માનવી પહોંચી નથી શકતા તેવા દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઘનિષ્ટ વન વાવેતરનું અભિયાન હથ ધરાયું છે. જેના ભાગરૂપે ‘ડ્રોન ના ઉપયોગથી પીપલાઈદેવી રેંન્જ, લવચાલી રેન્જ, સુબીર રેન્જ, અને શિંગાણા રેન્જના કુલ ૪૦ હેક્ટર જેટલા વિસ્તારમાં બહેડા,
ખાટી આંબલી, કરંજ, સેવન, કુસુમ, સીતાફળ, કાંટસ બાંમ્બુ, અને કડાયો જેવી ૮ પ્રકારની જાતોના અંદાજિત ૪૦૦ કિલોગ્રામ બીજનું (સીડ્સ બોલ) વાવેતર કરાયું છે.જેના કારણે આ દુર્ગમ વન વિસ્તારમાં પણ વનોની ગીચતા વધશે.