પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના અમલ માટે મોનિટરિંગ કમિટી અંગે સરકાર જવાબ આપેઃ હાઈકોર્ટ
(એજન્સી)અમદાવાદ, ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક આદેશ જાહેર કર્યો છે.
જેમાં નોંધ્યું છે કે,‘સંબંધિત એકમો જે રીતે સંબંધિત નિયમો હેઠળ જરૂરી પરવાનગીઓ વિના કામ કરી રહ્યા હતા, તે સ્પષ્ટ કરે છે કે શહેર મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના વડા તરીકે તેમની જવાબદારી પ્રત્યે બેધ્યાન હતા.’ એટલું જ નહીં હાઇકોર્ટની ખંડપીઠે અગાઉના આદેશને ફરીથી ટાંકતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે
કે,‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે માટે એડવોકેટ જનરલ દ્વારા જવાબ આપવામાં આવે અને આગામી સુનાવણી સુધીમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું સોગંદનામું કરવામાં આવે.’ આ કેસની વધુ સુનાવણી ૧લી ઓક્ટોબરે મુકરર કરાઇ છે.
કોર્ટે આદેશમાં નોંધ્યું છે કે, જીપીસીબીના ઇન્સ્પેક્શનના અહેવાલો અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે બંને સત્તાવાળાઓ (નિગમ અને જીપીસીબી) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ૨૦૧૬ની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના કરી છે. પ્લાસ્ટિક કચરાના અલગીકરણ, સંગ્રહ, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ માટે ઈન્ળાસ્ટ્રક્ચરની સ્થાપના માટે નિયમ ૬ હેઠળ સ્થાનિક સંસ્થાની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી છે.
સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની રીતે અને ખાનગી ઓપરેટરોની સંલગ્નતા દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સુવિધાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, ૨૦૧૬ની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.’ કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જીપીસીબીના રિપોર્ટમાં જે ચોંકાવનારી હકીકતો રેકોર્ડ પર આવી છે,
તે સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, ૨૦૧૬ની જરૂરિયાતથી અજાણ હતા.’ હાઈકોર્ટે શહેરમાં એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરતા ત્રણ ઓપરેટરોની સંલગ્ન પ્રક્રિયા અંગેના દસ્તાવેજો મંગાવ્યા હતા.