PM મોદીએ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે 28 ડિસેંબરે સવારે પાટનગર નવી દિલ્હીમાં દેશની પહેલવહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી દેખાડી હતી. લેટેસ્ટ ટેક્નોલોજી વડે ટ્રેન કોઇ પણ મોટરમેન વિના દોડશે. આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આપણે હવે સમયની સાથે ચાલવાનું છે. લેટેસ્ટ ટેક્નોલોજી અપનાવીને દેશને આગળ લઇ જવાનો છે.
આ પ્રસંગે વડા પ્રધાને એવી જાહેરાત કરી હતી કે 2025 સુધીમાં દેશના પચીસ શહેરોમાં આ રીતે ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની આપણી યોજના છે.
અત્યારે મેટ્રો મેજેન્ટા લાઇન પર જનકપુરી વેસ્ટથી નોઇડામાં બોટનિકલ ગાર્ડન સુધી આ ડ્રાઇવરલેસ ટ્રેન દોડશે. ત્યારબાદ 2021માં પિંક લાઇનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું. આ ટ્રેન મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીના અંતરને પાર કરશે.
આમ કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ ટ્રેન દોડાવવાની કેન્દ્રના રેલવે ખાતાની યોજના હતી. અન્ય મેટ્રો ટ્રેનની જેમ ડ્રાઇવરલેસ ટ્રેનમાં પણ છ કોચ રહેશે. ડ્રાઇવરલેસ ટ્રેન એક બહુ મોટી ટેક્નિકલ સિદ્ધિ હોવાનો દાવો કરાયો હતો. દિલ્હી મેટ્રોએ 2017ના સપ્ટેંબરમાં પહેલીવાર ડ્રાઇવરલેસ ટ્રેનનો અખતરો કર્યો હતો. એ સફળ થતાં આ પ્ર્રોજેક્ટની પૂર્વતૈયારી શરૂ થઇ હતી. 2020 વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આજે 28 ડિસેંબરે વડા પ્રધાને પહેલવહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી દેખાડીને એનું લોકાર્પણ કર્યું હતું.
આ ડ્રાઇવરલેસ ટ્રેનમાં પણ મેટ્રો ટ્રેનની જેમ કુલ છ કોચ છે. દરેક કોચમાં 380 ઉતારુઓ એટલે કે આખી ટ્રેનમાં કુલ 2280 ઉતારુ પ્રવાસ કરી શકે છે. આ ટ્રેનમાં કોઇ પણ ઇમર્જન્સીને પહોંચી વળવાની પૂરતી તૈયારી રખાઇ હોવાનો પણ દાવો કરાયો હતો. ડિજિટલ કેમેરા દ્વારા ટ્રેક સાથે સંધાન કરીને તેમજ અન્ય ટેક્નિકલ સાધનો વડે આ ટ્રેન સ્વયંસંચાલિત બની છે.