Western Times News

Gujarati News

PM મોદીએ બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના સ્થાપના દિવસ નિમિત્તે રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દૃઢ ઈચ્છાશક્તિના કારણે જ આજના દિવસે ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું હતું. તેમણે જ અલગ જનજાતિય મામલાઓનું મંત્રાલય બનાવેલું અને જનજાતિય હિતોને રાષ્ટ્રની નીતિઓ સાથે જોડ્યા હતા.’

વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રએ નક્કી કર્યું છે કે, આઝાદીના ‘અમૃત કાળ’ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની વીરતાની ગાથાઓને વધુ ભવ્ય ઓળખ આપવામાં આવશે. આ કારણે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાશે. આ કારણે આ મહત્વપૂર્ણ અવસર પર જનજાતિય સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ દેશવાસીઓને સમર્પિત છે. વડાપ્રધાને કહ્યું કે, જે ભૂમિ તેમના તપ, ત્યાગની સાક્ષી બની છે તે અમારા માટે એક પવિત્ર તીર્થ છે.

વડાપ્રધાને કહ્યું કે, ‘થોડા દિવસ પહેલા મેં દરેક રાજ્યમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપનાનું આહ્વાન કરેલું. મને આનંદ થઈ રહ્યો છે કે, દરેક રાજ્ય આ મામલે કેન્દ્ર સરકાર સાથે આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ વધુ 9 રાજ્યમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપના થશે.’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જોઉં છું ત્યારે મને ભગવાન બિરસા મુંડાનો ચહેરો જોવા મળે છે.

વધુમાં કહ્યું કે, આપણાં બધા માટે ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે. સદીઓથી તેઓ ભારતના આત્માનો હિસ્સો છે. જે સમયે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુક્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.