PM મોદી આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચાર ચૂંટણી સભાને સંબોધશે
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો ઉપર આગામી તા.૭મી મેના રોજ મતદાન યોજાશે. જેને લઈને રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે.
પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. આવતીકાલે નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચાર બેઠકો ઉપર ચૂંટણી સભાને સંબોધિત કરશે. બે દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના આગેવાનો સાથે બેઠક પણ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ૨જી મેના રોજ પીએમ મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે. જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે. પીએમ મોદી બીજા દિવસે ૧૧ વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ ૧ વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે.
૩.૩૦ વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને ૫ વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે. આમ પીએમ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે. આજે ડીસા અને હિંમતનગરમાં યોજાયેલી સભામાં પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.