PM વિશે વાંધાજનક લખાણ બદલ યુવકની ધરપકડ
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીના અમિત શાહના દીકરા જય શાહ વિશે સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકવા બદલ શહેર પોલીસની સાયબર ક્રાઈમની ટીમે ગુરુવારે ૩૨ વર્ષીય રત્નકલાકારની ધરપકડ કરી હતી.
પોતાના ફેસબુક અકાઉન્ટ પર કથિત રીતે મોદી અને શાહ વિશે ઢગલો મેસેજ લખનાર અને કતારગામમાં રહેતા અરવિંદ ઉર્ફે એ.કે. પટેલની પોલીસે ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરતી વખતે, પટેલનું ફેસબુક અકાઉન્ટ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસ કહેવા પ્રમાણે, પટેલે ભાજપ વિશે પણ અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખૂબ જ અપમાનજક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ બેજવાબદાર રીતે કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું, તેમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વાય.એ. ગોહિલે કહ્યું હતું. બનાસકાંઠાના વાવ તાલુકામાં ગુરુવારે સોશિયલ મીડિયા પર વિજય રૂપાણીની મિમિક્રી કરતો વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઈન્સપેક્ટર એ.કે. પટેલના જણાવ્યા પ્રમાણે, સીએમની એડિટેડ વીડિયો ક્લિપ પોસ્ટ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવા તેમજ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભાવેશ સોઢા અને રાજેશ સોઢા સામે તેમણે ગુનો દાખલ કર્યો હતો. તેમની સામે આઈપીસીની કલમ ૪૯૨ (કરારભંગ), ૪૬૯ (બનાવટી દસ્તાવેજ), ૫૦૦ (બદનક્ષી) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી કરવા માટે કેસ પાલનપુરના સાયબર ક્રાઈમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પટેલે જણાવ્યું હતું કે, બંનેએ ૫ મેથી ૧૮ મેની વચ્ચે વીડિયો એડિટ કર્યા હતા અને ઓછામાં ઓછી છ વીડિયો ક્લિપ તૈયાર કરી હતી.