Western Times News

Gujarati News

PM આવાસ યોજનામાં મકાન માટે ૧૮ લાખની ઠગાઇ કરનારા રિમાન્ડ પર

સચિવાલયમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી

પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસ કરવા તેના ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવા અરજી કરી હતી

અમદાવાદ,
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવી દેવાના નામે ફરિયાદી પાસેથી રૂ. ૧૮ લાખથી વધુ રકમની ઠગાઇ અને છેતરપિંડી કરનારા બે આરોપીના ૩૦મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસ કરવા તેના ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવા અરજી કરી હતી. કોર્ટે ૩૦મી સુધીના રિમાન્ડ આપ્યા છે.અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે પોલીસે અરજી કરી જણાવ્યું હતું કે આ ગુનામાં ફરિયાદી સીમાબેન ભટ્ટીએ ફરિયાદ નોંધાવી છે.

હકીકત એવી છે કે વર્ષ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં આરોપીઓએ તેમને એવું જણાવ્યું હતું કે તે પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સચિવાલયની કચેરીમાં સરકારી નોકરી કરે છે. આવી ખોટી ઓળખ આપી તેમણે હેતાર્થ પાર્ટી પ્લોટની સામે, સાયન્સ સિટી રોડ, સોલાના પીએમ આવાસના ત્રણ મકાન ફરિયાદીને ફાળવવા અંગે વસ્ત્રાપુર એનએફડી સર્કલ પાસે દેવપ્રિય કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલી દુકાનમાં ફરિયાદીને વાતવાતમાં વિશ્વાસમાં લઇ ઉક્ત યોજનામાં ત્રણ મકાન પેટે કુલ ૧૮.૪૫ લાખની રકમ ગુગલ પેથી તથા રોકડમાં મેળવી લીધી હતી.

ફરિયાદની હકીકત મુજબ આ ત્રણ મકાન અંગે ખોટી સહીવાળા સરકારી ફાળવણી પત્ર તથા ફરિયાદીને ફાળવેલ મકાનોના મકાન નંબર સહિતના ખોટી સહીવાળા સરકારી પત્રો આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પોલીસ અરજીમાં જણાવ્યું હતું કે આરોપીઓ વિરલભાઇ સોની, રવિ સોલંકીની પૂછપરછ કરતાં ગુના સંબંધે કોઇ હકીકત જણાવતા ન હોઇ કસ્ટડીનો સમય વ્યતીત કરતા હોય બંને આરોપીઓ ખૂબ રીઢા હોઇ તેમની વધુ તપાસ અને પૂછપરછ જરૂરી છે. આ મામલે સરકારી વકીલ એમ.એમ. શેખ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ કોર્ટે ૩૦મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.