ગુજરાતમાં 2488 કરોડના ખર્ચે કુલ 3710 કિમી લંબાઇના હાઇવે તૈયાર કરાશે
ગુજરાતે દેશભરમાં સૌ પ્રથમવાર પી.એમ. ગતિશકિત પોર્ટલ આજે લોન્ચ કર્યું-ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @૭૫ : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત સેમિનાર
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યકક્ષાએ પી.એમ. ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું
વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલી બનાવીને ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવ્યું છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાનના વિવિધ ક્ષેત્રે અમલથી ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવનારૂં રાજ્ય બન્યુ છે.
વડાપ્રધાનશ્રીએ અમલી કરેલા “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન”ના અમલીકરણ માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @૭૫ : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે “PM ગતિ શક્તિ ગુજરાત” પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. આ પોર્ટલ વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા તથા આ માસ્ટર પ્લાનના ઝડપી અમલીકરણ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ રાજ્ય કક્ષાએ ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે એનો ગૌરવ સહ ઉલ્લેખ તેમણે કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન” ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ પ્લાનથી માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે.
ગુજરાત તેની સાનુકૂળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, વિશાળ સંભવિત બજાર, રાજકીય સ્થિરતા અને ભરોસાપાત્ર શાસન સાથે વૈશ્વિક વ્યાપાર માટે વિપુલ તકો પ્રદાન કરે છે ત્યારે રાજ્યમાં ઉપલબ્ધ તકોનું અન્વેષણ કરવા અને ગુજરાત અને ભારતની વૃદ્ધિમાં ભાગીદાર બનવા તેમણે આ સેમિનારમાં સહભાગી સૌને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનશ્રીએ તેમના દૂરંદેશીપૂર્ણ સુધારાઓ સાથે ગુજરાતના સંતુલિત અને પ્રાદેશિક વિકાસને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આર્થિક સમૃદ્ધિ માટે રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો અને તે માટે ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાન્સ અમલી બનાવવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલી દૂરંદેશી પહેલો, સુધારાઓ અને કાર્ય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, “પ્રગતિપથ” યોજનામાં રાજ્યના છેડાને જોડતા 9 હાઇસ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનશે.
કુલ રૂ.2488 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં કુલ 3710 કિમી લંબાઇના હાઇવે તૈયાર કરાશે. તેવી જ રીતે નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મોટાં શહેરોમાંથી પસાર થતા રાજ્યના માર્ગોનું આધુનિકીકરણ માટે “વિકાસ પથ” કાર્યક્રમ કાર્યરત છે.
“કિસાન પથ” પહેલથી ખેડૂતોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો અને તેમની ખેતપેદાશો અને દૂધ ઝડપથી બજારમાં પહોંચતા થયા છે. તે ઉપરાંત રાજ્યમાં “પ્રવાસી પથ”ની નવતર પહેલ થકી 60 થી વધુ પ્રવાસી સ્થળો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થતાં પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવાન બન્યો છે. રૂ.2300 કરોડ કરતાં વધુના કેન્દ્રિત રોકાણો સાથે આ પહેલથી રાજ્યના 24 થી વધુ જિલ્લાઓને ફાયદો થયો છે.
તેમણે ઉમેર્યુ કે, “રેલવે કનેક્ટિવિટી” થકી રેલવે ક્ષેત્રે પણ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઓપન એક્સેસ- કોમન કેરિયરના ધોરણે એક સંકલિત રાજ્ય-વ્યાપી ગેસગ્રીડ વિકસાવી છે. મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જોડતા 25 જિલ્લાઓમાં પાઇપલાઇન ગેસ ગ્રીડ નેટવર્ક રાજ્યમાં કાર્યરત છે.
એ જ રીતે સિંચાઈ માટે પાણીના વિતરણ માટે 75,000 કિમીનું રાજ્યવ્યાપી વોટર ગ્રીડ નેટવર્ક અને 14,000 થી વધુ ગામડાઓ અને 154 નગરોને પાણી પહોંચાડવા માટે પીવાના પાણીની ગ્રીડની સ્થાપના કરતો એક મિશન મોડ પ્રોજેક્ટ “વોટર ગ્રીડ” હાથ ધર્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકારે બંદરોના વિકાસ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરતી પ્રથમ પોર્ટ પોલિસી અમલી બનાવી છે. ભારતનું પ્રથમ ખાનગી બંદર ગુજરાતનું પીપાવાવ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિક્સાવવામાં આવ્યું હતું.
ઉપરાંત રાજ્યમાં ચાર ગ્રીન ફિલ્ડ પોર્ટ લોકેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વીજ પુરવઠા ક્ષેત્રે ગુજરાતે વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં વ્યાપક સુધારા કર્યા અને 2009માં પાવર સરપ્લસ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો અને આજે ગુજરાતમાં 24×7 અવિરત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામં આવી રહ્યો છે.
ભારત નેટ પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતે ડિજિટલ સેવાસેતુ પ્લેટફોર્મ, GSWAN જેવા વિવિધ ડિજિટલ સુધારાઓ અને પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવંતી બને તે માટે ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, 12 લેન દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ-વે, ગુજરાતના મુખ્ય શહેરોને જોડતા રેલ કોરિડોર અને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ કે, ગુજરાતે છેલ્લા એક દાયકામાં સતત 10% થી વધુ વાર્ષિક GDP વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે ભારતના GDPમાં 8.28% થી વધુ ફાળો આપે છે. રાજ્ય સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિફોર્મ્સ, ડિજિટલ ગવર્નન્સ, પોલિસી પહેલ અને રોજગારના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પહેલ કરી છે, જેના કારણે ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે. “ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી” શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે.
રાજ્યના ઉદ્યોગ રાજય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશમાં માળખાગત સવલતોના નિર્માણ માટે ઝડપ આવે અને એકસૂત્રતાથી કામગીરી થાય એ માટે પી.એમ.ગતિ શકિત નેશનલ માસ્ટર પ્લાન એક વર્ષ પહેલા શરૂ કરાયો હતો.
આજે ગુજરાતે દેશભરમાં સૌ પ્રથમવાર પી.એમ.ગતિ શકિત પોર્ટલ આજે લોન્ચ કર્યું છે જે આગામી સમયમાં ગુજરાતના સુગ્રથિત વિકાસને નવી દિશા આપશે. એટલુ જ નહિ, આ માસ્ટર પ્લાનના અમલીકરણથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન થવાથી નાગરિકોના પૈસા વેડફશે નહિ અને સર્વગ્રાહી વિકાસ સંભવ બનશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન રાજયના વિકાસનો મજબૂત પાયો નાખ્યો એને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ પાયાને મજબૂતાઈથી આગળ વધારી રહ્યા છે. તે સમયે શ્રી મોદીએ રાજયની વિકાસયાત્રાને ઝડપી બનાવવા માટે વિભાગોનું સંકલન થાય એ માટે ચિંતન શિબીરના માધ્યમથી નવી દિશા આપી હતી.
એ જ નવતર અભિગમનો લાભ આજે દેશને પી.એમ.ગતિ શકિત નેશનલ માસ્ટર પ્લાનથી મળ્યો છે જે આપણા માટે ગૌરવ છે. આ પ્લાન હેઠળ કેન્દ્ર સરકારના ૧૬થી વધુ વિભાગો, વિવિધ રાજય સરકારો તથા વિવિધ એજન્સીઓ સહભાગી બની છે જે આગામી સમયમાં વિકાસને વધુ વેગ આપશે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગુજરાત ‘બેસ્ટ પ્રિફર્ડ બિઝનેસ ડેસ્ટીનેશન’ તરીકે ઉભરી આવેલું રાજ્ય છે
ત્યારે રાજ્યની પ્રોત્સાહક નીતિઓ વિશ્વભરના રોકાણકારોને સવિશેષ આકર્ષી રહી છે. તે ઉપરાંત ગુજરાતનું ૨.૨૦ લાખ કિમી જેટલું લાંબુ રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર, ૫૨૦૦ કિમી જેટલું મોટું રેલ નેટવર્ક, ૧૯ એરપોર્ટ, ૪૮ પોર્ટ, બેસ્ટ પાવર કેપીસીટી, એક્સપર્ટ સ્કીલ, પ્રોડક્ટિવ ગવર્મેન્ટ, સુરક્ષિત સ્થળ સહિતના અનેક પરિબળોને પરિણામે ગુજરાતમાં ખૂબ મોટા પાયે રોકાણો થઈ રહ્યા છે. આ સાનુકુળતાઓને પરિણામે આજે ગુજરાતમાં પીનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન થઈ
રહ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ ગતિશક્તિ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે બિઝનેસ પ્રોસેસ એન્જિનીયરીંગમાં વિશાળ તકો પૂરી પાડે છે. આ પોર્ટલ માત્ર ડિજીટલ એપ્લિકેશન, એક્યુરેટ ડેટા કલેક્શન કે ડિજીટલ ડેટા ઇન્ટીગ્રેશન નથી, તેનાથી આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લોજિસ્ટિક સાથે કનેક્ટ કરવામાં આવશે, જે ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટાડવામાં મદદરૂપ થશે.
શ્રી પંકજ કુમારે વધુમાં કહ્યું હતું કે, પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલ રાજ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે. તે એવું પાવરફુલ ટુલ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગની સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપશે. આ પોર્ટલ ફુલપ્રુફ સિસ્ટમ છે, જેના અમલીકરણમાં એક્યુરેટ ડેટાનું ખૂબ મહત્વ છે, જે સતત અદ્યતન થતાં રહેશે. પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલ એવું સશક્ત માધ્યમ છે, જે નિર્ણયો લેવા અને તેનું મોનિટરીંગ કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પોર્ટલ થકી જમીન સંપાદન, આંતર વિભાગીય સંકલન સહિતનું ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટેશન કરી શકાશે એમ મુખ્ય સચિવે જણાવ્યું હતું.
બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ભારત આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતે અમેરિકાને પછાડીને દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
સંશોધનમાં ભારતે ઝડપથી પ્રગતિ કરી ૮૧માં સ્થાનેથી ૪૧મું સ્થાન મેળવ્યું છે. આગામી ૨૫ વર્ષોમાં દેશ ૨૦ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનશે અને અમેરિકા અને ચીન બાદ વિશ્વનું સૌથી મોટું ત્રીજુ અર્થતંત્ર હશે. આ લક્ષ્ય સિદ્ધ કરવા અને ગુજરાતે વધુ ઝડપી પ્રગતિ સાધવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજની સ્થિતિ કરતાં ૬ ગણું રોકાણ કરવાની જરૂરિયાત હોવાનું શ્રી દાસે જણાવ્યું હતું.
તેમણે સીઆઈઆઈનો અહેવાલ ટાંકતા જણાવ્યું હતું કે, આજે દેશની માથાદીઠ આવક લગભગ ૧૦ હજારે પહોંચી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા રાજ્યના આ પોર્ટલની સમીક્ષા કરીને વિવિધ વિભાગોને આવરી લેતું પીએમ ગતિશક્તિ-ગુજરાત પોર્ટલ જેવું ટુલ વિશ્વમાં બીજે ક્યાંય નથી એમ જણાવ્યું હતું.
અધિક મુખ્ય સચિવ અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી સુશ્રી અવંતિકા સિંઘે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગુજરાત લૉન્ચપેડ સાબિત થઈ રહ્યું છે. નવેમ્બર, ૨૦૨૧માં યોજાયેલા પશ્ચિમ ઝોનના પીએમ ગતિશક્તિ અંગેના પ્રથમ વર્કશોપ બાદ આ દિશામાં તરત જ પહેલ કરી છે. ગુજરાત ગતિશક્તિ પોર્ટલ લૉન્ચ કરનાર પ્રથમ રાજ્ય છે
. આ એવું જીઆઈએસ આધારિત પોર્ટલ છે, જેમાં ૫૦૦થી વધુ લેયર છે. જેમાં રાજ્યના ૨૧થી વધુ સરકારી વિભાગો તથા બાવન પેટાવિભાગો અને કેન્દ્રના ૨૫થી વધુ વિભાગોનો સમાવેશ થાય છે. આ પોર્ટલના અસરકારક અમલીકરણથી વધુ સારી અને સ્માર્ટ સરકારનું નિર્માણ કરવામાં મદદ મળશે.
આ સેમિનારમાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજ્ય સરકારની વિવિધ પહેલ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, બેડી અને મોરબી ખાતે પીએમ ગતિશક્તિ ટર્મિનલના ફાયદાઓ જેવા વિષયો પર સત્રો યોજાયાં હતાં.
જ્યારે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વાઈસ ચેરમેન અભિષેક ચૌધરીની અધ્યક્ષતામાં પીએમ ગતિશક્તિ અને નેશનલ લોજિસ્ટિક પોલીસી, ઉદ્યોગ દૃષ્ટિકોણથી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક ક્ષમતામાં વધારવા પીએમ ગતિશક્તિના મહત્વ અંગેના સત્રો યોજાયાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાઇસ ચેરમેન અને સીઇઓ શ્રી આર. બી. બારડ, સીઆઈઆઈ ગુજરાત કાઉન્સિલના વાઈસ ચેરમેન દર્શન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.