પીએમ કિસાન સમ્માન સંમેલનમાં ૧૫૦૦થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ ભાગ લેશે
ગાંધીનગર, ૧૬ ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે ૧૭ અને ૧૮ ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ૧૨મો હપ્તો ચૂકવશે.
આ ૧૨મા હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.૧૬ હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના ૫૧ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૦૨૩ કરોડની રકમ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે
અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે કિસાન સમ્માન નિધિ યોજનાનો ૧૨મો હપ્તો રાજ્યના ખેડૂતો માટે વધુ એક રાહત લઇને આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.૬૦૦૦ આપવામાં આવે છે,
જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૧૨મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.૧૬ હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ ૧૨ હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.૨.૧૬ લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે
જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં ૧૨,૫૬૫ કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે. ૬૦૦ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે દિલ્હી ખાતે યોજાનારા બે દિવસીય સંમેલનમાં ૬૦૦ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
આ સમૃદ્ધિ કેન્દ્રોમાં ૪૪ કેન્દ્રો ગુજરાત ખાતે કાર્યરત કરવામાં આવશે. આ કૃષિ સમૃધ્ધિ કેન્દ્રમાં ખેડૂતોને એક જ છત નીચે કૃષિ વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો ઉપર ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ રાખવામાં આવશે.
ખેડૂતોની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા સેન્ટરો પરથી ખેડૂતને ખેતી વિષયક અદ્યતન ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને ભલામણો બાબતે માહિતી આપવામાં આવશે.
ખેડૂતોને સીધી અસર કરતી સરકારી યોજનાઓ પણ આ કેન્દ્રો પર પ્રદર્શિત કરવામાં આવશે. આ કેન્દ્રો બજારના અગ્રણી સ્થાનો પર અથવા ગામો અથવા તાલુકાઓમાં કૃષિ મંડીઓની નજીક હશે જેથી ખેડૂતો મુશ્કેલી વિના તેનો ઉપયોગ કરી શકે. ઉપરાંત,
આ કેન્દ્રો પર ખાતર ખરીદી માટે PoS, QR Code/Bar Code સ્કેનરની સુવિધા, સ્ટોકની સ્થિતિ, સહાય અને કિંમત નિદર્શીત કરતું ડીસપ્લે બોર્ડ તેમજ ખેડૂતો માટે બેસવાની સુવિધાઓ પણ હશે, સાથે જ એક હેલ્પ ડેસ્ક પણ હશે. આ કેન્દ્રોમાં પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન
સાથેના કોમ્પ્યુટર અને એલઈડી સ્ક્રીન, સ્માર્ટ ટી.વી.જેવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડો રાખવામાં આવશે.૧૫૦૦થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ લેશે ભાગ આ કિસાન સમ્માન સંમેલનમાં ૧૫૦૦થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. જેમાંથી ૩૦૦ સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ અને તેને સંલગ્ન વિવિધ વિષયો પર થયેલ નવીન કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે.