લોકસભા ચૂંટણી માટે કમર કસી લેવા BJP કાર્યકરોને PM મોદીની સલાહ
સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ૩ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ જીત માત્ર મોદીની નથી, પરંતુ તમામ કાર્યકર્તાઓની સામુહીક જીત છે. .આ દરમિયાન પીએમ મોદીએ તમામ સાંસદોને પોત-પોતાના મતવિસ્તારમાં જઈને લાભાર્થીઓનો સંપર્ક કરવા, લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવા તેમજ લોકસભામાં ચૂંટણી માટે કમર કસી લેવા અપીલ કરી હતી.
સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહત્વકાંક્ષી જિલ્લાઓમાં કામ કરવાથી પાર્ટીને લાભ મળ્યો છે. ભાજપે આવા જિલ્લાઓમાં લગભગ ૬૦ બેઠકો જીતી છે. તેમણે કહ્યું કે, તમામે મળીને કામ કર્યું છે.
રાજ્યોમાં સરકારો રિપિટ થવાનો ભાજપનો ૫૮ ટકા રેકોર્ડ છે, જ્યારે કોંગ્રેસનો માત્ર ૧૮ ટકા જ છે. તેમણે કહ્યું કે, તમામ સાંસદો પોતપોતાના ક્ષેત્રમાં જઈને લાભાર્થીઓ સાથે સંપર્ક કરે અને લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરે. તેમજ ૨૦૨૪માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે કમર કસીને કામમાં લાગી જાવ.