એરફોર્સ સ્ટેશન અદમપુર: ભારતની સરહદ સુરક્ષાનો મજબૂત કિલ્લો

વડાપ્રધાન મોદીએ એરફોર્સ સ્ટેશન આદમપુર મુલાકાત લીધી
નવી દિલ્હી, મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એએફએસ (એર ફોર્સ સ્ટેશન) આદમપુરની મુલાકાત લીધી, જ્યાં તેમણે આપણા બહાદુર હવાઈ યોદ્ધાઓ અને સૈનિકો સાથે મુલાકાત કરી.
વડા પ્રધાને આ અવસરે જણાવ્યું કે, “આજે સવારે હું એએફએસ અદમપુર ગયો અને આપણા બહાદુર હવાઈ યોદ્ધાઓ અને સૈનિકો સાથે મુલાકાત કરી. જેઓ સાહસ, દૃઢતા અને નિર્ભયતાના પ્રતીક છે, તેમની સાથે આ ક્ષણો વિતાવવી એક અત્યંત વિશેષ અનુભવ હતો.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે કરેલા યોગદાન બદલ હંમેશા આભારી રહેશે.”
એર ફોર્સ સ્ટેશન (એએફએસ) આદમપુર, જે પંજાબમાં સ્થિત છે, ભારતની સરહદી સુરક્ષા વ્યવસ્થામાં એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હવાઈ મથક ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર થોડા અંતરે આવેલું હોવાથી, દેશની પશ્ચિમી સરહદોની સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
એએફએસ આદમપુર, જે ‘ડીફેન્ડર્સ ઓફ ધ વેસ્ટ’ તરીકે પણ ઓળખાય છે, 1950ના દાયકામાં સ્થાપિત થયું હતું અને ત્યારથી ભારતની હવાઈ સુરક્ષા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. આ મથક પર અત્યાધુનિક લડાકુ વિમાનો, સુખોઈ-30એમકેઆઈ અને મિગ-29 સહિત તૈનાત છે, જે સરહદી વિસ્તારોમાં સતત નજર રાખી ગમે ત્યારે દુશ્મનો સામે કાર્યવાહી કરવા સજ્જ રહે છે.
1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધો દરમિયાન, એએફએસ આદમપુરે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ મથકે કારગિલ યુદ્ધ (1999) દરમિયાન પણ નોંધપાત્ર કામગીરી બજાવી હતી.
આધુનિક રડાર સિસ્ટમ અને સેન્સરથી સજ્જ આ મથક, અદમપુર ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં એક સતર્ક આંખ તરીકે કામ કરે છે. તેની રડાર સિસ્ટમ્સ અને એડવાન્સ્ડ સર્વેલન્સ સાધનો પાકિસ્તાનથી આવતી કોઈપણ અનિચ્છનીય હવાઈ ગતિવિધિઓનું શોધવામાં મદદ કરે છે.
કુદરતી આપત્તિઓ અને આપાતકાલીન સ્થિતિઓમાં, એએફએસ અદમપુર માનવતાવાદી સહાય મિશનોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પૂર, ભૂકંપ અને અન્ય કટોકટી દરમિયાન, અહીંથી રાહત સામગ્રી અને બચાવ દળોને ત્વરિત તૈનાત કરવામાં આવે છે.
એએફએસ અદમપુર માત્ર સરહદી સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તે સીધી અને આડકતરી રીતે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે અને સ્થાનિક વિકાસમાં મદદરૂપ થાય છે.
મુલાકાત દરમિયાન વડા પ્રધાને સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી. તેમણે સૈનિકોની સમર્પણ ભાવના અને દેશભક્તિની પ્રશંસા કરી તેમજ તેમના દ્વારા કરવામાં આવતા સાહસિક કાર્યોને બિરદાવ્યા.
એએફએસ આદમપુર ભારતીય વાયુ સેનાના અગ્રણી મથકોમાંનું એક છે, જે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.