Western Times News

Gujarati News

અમદાવાદમાં PM મોદી અને UAEના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો યોજાયો (જૂઓ વિડીયો)

માર્ગમાં ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગતઃ હોટલ લીલા ખાતે બંને દેશોના પ્રતિનિધિમંડળોની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હોટેલ લીલા ખાતે પહોંચી ગયા હતા

અમદાવાદ, ગાંધીનગરમાં ૧૦થી ૧૨ જાન્યુઆરી વચ્ચે ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરાયું છે. ત્યારે ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ગઈકાલે રાત્રે જ ગુજરાતમાં આવી ગયા છે. તેમજ આજે યુએઈના રાષ્ટ્રપતિ પણ ગુજરાત મુલાકાતે આવ્યા છે, પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં,

જેઓએ યુએઈના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. PM Modi  and His Royal Highness Sheikh @MohamedBinZayed , President of the United Arab Emirates and Ruler of Abu Dhabi jointly led a Roadshow, a day ahead of the inauguration of #VGGS2024.

આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અલનાહ્યાન અને પીએમ મોદીનો ઝારમાન રોડ શો શરૂ થયો હતો. લોકોએ બંન્ને દેશના નેતાઓને વધાવ્યા હતા. એરપોર્ટ ઉપર વડાપ્રધાન મોદીની સામે વિદેશમંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ તથા ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી બંને મહાનુભાવોનો રોડ શો શરૂ થતાં જ ઠેર-ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્ગમાં સ્ટેજો બનાવી ભારતીય સંસ્કૃતિ વિવિધ કાર્યક્રમો નીહાળી યુએઈના રાષ્ટ્રપતિ મંત્રમુગ્ધ બની ગયા હતા.

રોડ શો દરમિયાન બંને મહાનુભાવો લોકોનું અભિવાદન ઝીલવા સાથે મંત્રણા કરતા પણ જોવા મળ્યા હતા. સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યુએઈના રાષ્ટ્રપતિ સાથે મહત્ત્વપૂર્ણ કરારો કરવામાં આવે તેવી શક્યતા છે અને ત્યારબાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હોટેલ લીલા ખાતે પહોંચી ગયા હતા

અને ત્યાં સૌ પ્રથમ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં બંને દેશો ખાસ કરીને વેપારી અને ટેકનોલોજીના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચા કર્યા બાદ કરારો કરે તેવી શક્યતા છે. જોકે, હાલ આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ બંને દેશોનું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે તેમાં આ તમામ બાબતોની સ્પષ્ટતા થઈ જશે. વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ હોટલ લીલા ખાતે શુદ્ધ શાકાહારી ભોજન લીધું હતું.

બુધવારે સવારે ૧૦ વાગે પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ પીએમ મોદી ગ્લોબલ સીઈઓ સાથે બેઠક યોજશે. જે બાદ સાંજે ૫ કલાકે ગિફ્‌ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્‌ટ સીટી, ગિફ્‌ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્‌લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે.

ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યુએઈના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવતાં વિશ્વના અનેક દેશોની નજર તેમના ઉપર મંડાયેલી છે. ખાસ કરીને ભારતના પાડોશી દેશ પાકિસ્તાન ભારત અને યુએઈ વચ્ચે થનારા કરાર ઉપર નજર રાખી રહ્યું છે. બીજી બાજુ, યુએઈ સંપૂર્ણપણે ભારતની તરફેણમાં છે અને બંને મહાનુભાવો વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ચર્ચા કર્યા બાદ વિકાસ પ્રોજેક્ટો માટે એમઓયુ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.