PM મોદીએ ફોન પર મહિલાને કહ્યું કે ‘તમારાં હાથની પુરણપોળી ઘણા વર્ષોથી નથી ખાધી, એક ડબો ભરી પુરણપોળી મોકલો!’
PM નરેન્દ્ર મોદીની સ્મરણશક્તિ અને આશાબહેન બક્ષીની પુરણપોળી-આશાબહેન બક્ષીએ વિજયભાઈ રૂપાણીને ફોન કરીને કહ્યું કે જમાઈરાજ, હું તમારાં પહેલાં નરેન્દ્ર મોદીને ઓળખું છું.
ભારતના વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા ત્યારે ગુજરાતના જે પરિવારો સાથે ઘરોબો કેળવ્યો હતો એ તમામ કુટુંબ સાથે હજુ આજે પણ નરેન્દ્ર મોદી સંપર્ક જાળવી રાખે છે.
આનું નરેન્દ્ર મોદીની તીવ્ર સ્મરણશક્તિ પણ કારણભૂત છે. મોદીની સ્મરણશક્તિ અંગે વિજય રૂપાણીએ હમણાં એક બહુ સરસ સ્મરણ ટાંક્યું છે. બન્યુ એવું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનીને ગુજરાત આવ્યા એ પછી વિધાનસભાની ચૂંટણી લડવા રાજકોટ ગયેલા. રૂપાણી તેમની ચૂંટણીના મુખ્ય વ્યવસ્થાપકો પૈકીના એક હતા.
આ વાતની ખબર વિજય રૂપાણીના સાસુ (અને અંજલિ રૂપાણીના માતુશ્રી) આશાબહેન બક્ષીને થતાં તેઓએ રૂપાણીને ફોન કરીને કહ્યું કે જમાઈરાજ, હું તમારાં પહેલાં નરેન્દ્ર મોદીને ઓળખું છું. તેઓએ મારા હાથની બહુ પુરણપોળી ખાધી છે, મને તેમની સાથે વાત કરાવો. વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી સહેજ નવરા થયાં એટલે આ વાત કરી એટલે મોદીનો પહેલો પ્રતિભાવ એવો હતો કે ‘તેમના હાથની તો બહુ પુરણપોળી ખાધી છે’.
એ પછી વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી સાથે પોતાના સાસુ આશા બક્ષીની વાત કરાવી ત્યારે નરેન્દ્ર મોદીએ પહેલું વાક્ય એવું કહ્યું કે ‘તમારાં હાથની પુરણપોળી ઘણા વર્ષોથી નથી ખાધી, એક ડબો ભરી પુરણપોળી મોકલો!’ અહીં નોંધપાત્ર વાત એ છે કે વાત થઈ ત્યારે આશા બક્ષીની પુરણપોળી ખાધાંને વર્ષો વિતી ગયા હતા છતાં નરેન્દ્ર મોદીને એ વાત સ્મરણપટ પર સંપૂર્ણ અંકિત હતી.
સરકારમાં ય આખું કોળું શાકમાં જાય એવી ઘટના બને છે હોં!
ગુજરાતમાં એક એવી કહેવત પ્રચલિત છે કે “આખું કોળું શાકમાં ગયું.” આમ આ કહેવત રાંધનારની ભયંકર બેદરકારી સૂચવે છે.
પરંતુ સરકારના વહીવટીતંત્ર દ્વારા જ્યારે ભયંકર બેદરકારી દાખવવામાં આવે ત્યારે પણ આ કહેવત વાપરી શકાય તેવી છે.આવો એક કિસ્સો તાજેતરમાં ખંભાતમાં બહાર આવ્યો.બન્યું એવું કે ખેડા જિલ્લાના ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડ પર એક મેળો યોજવામાં આવેલો.
હવે નિયમ એવો છે કે કોઈ પણ મેળો યોજવો હોય તો (૧)ઃ-માર્ગ અને મકાન વિભાગ પાસેથી જમીન વપરાશની મંજૂરી(૨)ઃ- નગરપાલિકા પાસેથી ફાયર માટેનું ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ અને (૩)ઃ- પોલીસ ખાતા પાસેથી આયોજનની મંજૂરી લેવી પડે.પરંતુ સદરહુ મેળાના આયોજકોએ (ગુજરાતમાં જાણે કોઈ સરકાર અસ્તિત્વમાં જ નથી એમ માનીને) આમાંની એકપણ મંજૂરી લીધા વગર મેળો શરૂ કરી દીધો હતો.
આશ્ચર્યની વાત તો એ છે આ કોઈ પણ જાતની મંજૂરી વગરનો મેળો પૂરાં ૧૦ દિવસ ચાલ્યો અને પછી એ મેળો બંધ કરાવવામાં આવ્યો! ખંભાત જેવા પ્રમાણમાં નાના સેન્ટરમાં આવું થાય ત્યારે શંકા એવી જાગે કે કોઈ વગદાર વ્યક્તિની અસર હેઠળ અનેક અધિકારીઓએ કદાચ ‘આંખ આડા કાન’ કર્યાં હોય એવું ય બને હોં!
મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ – ગાંધીનગરના પત્રકારો સાથે લંચ લીધું
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેઓએ જે કેટલીક નવી પ્રણાલીઓ સ્થાપી તેમાંની એક એ હતી કે તેઓ વિક્રમ સંવતના નવા વર્ષનાં પ્રારંભે અમદાવાદ – ગાંધીનગરમાં વસતા પત્રકારોને પોતાની સાથે લંચ લેવા માટે નિમંત્રિત કરતા.
એ પ્રણાલી પછી યથાવત રહી છે અને તે પરંપરાના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત તા.૨૦/૧૧/૨૪ના દિવસે પત્રકારોને પોતાના આંગણે લંચ માટે નિમંત્ર્યા હતા.
આ ભોજન સમારંભની કેટલીક ખટમીઠી વાતો અહીં નોંધવી છે.(૧)મૂખ્યમંત્રી તેમની સ્વભાવગત સરળતાથી પત્રકારોને મુક્તમને મળ્યા હતા(૩) મંત્રીમંડળનાં સભ્યો પણ બધાંને નીરાંતે મળ્યા હતા
(૩)સિનિયર પત્રકાર દેવેન્દ્ર પટેલ, અજય ઉમટ અને ભવેન કચ્છી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના અનેક અગ્રણી પત્રકારો અ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા (૪)વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા
(૫)ભોજન માટે પસંદ કરવામાં આવેલી વાનગીઓમાં ગુજરાતીપણાનો અભાવ હતો.ખાસ કરીને લાઈવ ઢોકળા, ચુરમાના લાડુ અને મીક્સ ભજીયાનો સમાવેશ ભોજનમાં કરાયો નહોતો (૬)જૈન અને સ્વામિનારાયણ પંથનાં લોકો માટે અલગ કાઉન્ટર નહોતા
(૭)સાઉથ ઈન્ડિયન વાનગીઓ પણ નહોતી (૮)વેઇટર સર્વિસ સરસ હતી. એકંદરે ખૂબ સુંદર વાતાવરણમાં સમગ્ર ભોજન સમારંભ પૂરો થયો હતો.
રામભાઈ મોકરિયા એમનું સાંસદ પદ સાર્થક કરે છે
ગુજરાતની ખ્યાતનામ મારૂતિ કુરિયરના માલિક અને ભા.જ.પ.ની વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે સેવા કરનાર રામ મોકરિયાને ભારતીય જનતા પક્ષે રાજ્યસભાના સાંસદ બનાવ્યા પછી મોકરિયા પ્રજાનાં પ્રતિનિધિ તરીકેની ભૂમિકા સુપેરે ભજવે છે.
આનુ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું હતું.બન્યું એવું કે નજીકના ભૂતકાળમાં જ રાજકોટ જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે મળી હતી જેમાં રામ મોકરિયાએ હોદ્દાની રૂએ સભ્ય તરીકે હાજરી આપી હતી.
આ બેઠકમાં મોકરિયાએ સસ્તા અનાજની જુદી જુદી દુકાન પર વિતરીત કરવામાં આવતા હલકી ગુણવત્તા ધરાવતા જુદા જુદા પ્રકારના અનાજનાં નમૂના અલગ અલગ કોથળીમાં લાવીને સમિતિની બેઠકમાં રજુ કર્યા હતા.
ઘઉં,ચણા દાળ અને ચોખા હલકી ગુણવત્તાના અને અંદર જીવાત હોય તેવા વેચાતા હોવાની ફરિયાદ ઉઠતા રામ મોકરિયાએ આવાં અનાજનાં નમૂના એકઠા કરી કલેકટરને તપાસ કરવા માટે ભલામણ કરી હતી.રામ મોકરિયાનુ કહેવું એવું હતું કે ક્યાં ભેળસેળ થાય છે
એની તપાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ લોકોને વિનામૂલ્યે જે અનાજ આપે છે સારું હોવું જોઈએ અને તે ખાવાથી કોઈ બિમાર ન પડે એવું હોવું જોઈએ.રામ મોકરિયાની ગરીબ લોકો માટેની આ ચિંતા વ્યાજબી છે અને દરેક પ્રજાના પ્રતિનિધિએ રામ મોકરિયામાંથી પ્રેરણા લેવી જોઈએ.