વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ સિવિલમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કિટ વિતરણ
172 કિલો ગોળ, 172 કિલો ખજૂર, 172 કિલો ચણા અને સફાઇ કર્મી બહેનો માટે 172 સાડી નું વિતરણ કરાયું
સિવિલ સુપ્રીટેન્ડન્ટની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલમાં સૌ કર્મીઓએ અંગદાન મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવાના સંકલ્પ લીધા
ફાર્માલોજી વિભાગ દ્વારા દવાઓના યોગ્ય ઉપયોગ સમજાવતો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 72માં જન્મદિવસે ધી ટ્રેઇન્ડ નર્સીંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાની ગુજરાત બ્રાન્ચ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં સર્ગાભા બહેનો અને નવજાત બાળકો માટે પોષણ કિટ વિતરણ કરવામાં આવી હતી.
જેના અંતર્ગત હોસ્પિટલના સ્ત્રીરોગ વોર્ડમાં તાજા જન્મેલા બાળકો માટે 172 બેબી કીટ (જેમાં ઝબલા, મોજા, કપડા, રઝાઇ, ઘોડીયું, ચાદર) છ માસની કીટ તેમજ પોસ્ટ નેટલ માતાઓને પોષણયુક્ત આહાર પ્રાપ્ત થાય તે માટે 172 કિલો ગોળ, 172 કિલો ખજૂર અને 172 કિ.લો ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
તદ્ઉપરાંત હોસ્પિટલની સફાઇ કામદાર 172 બહેનો માટે સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ મહાનગરની એલ.જી. અને શારદાબાઇ હોસ્પિટલમા પણ બાળકોને કીટ અને માતાઓને ગોળ, ખજૂર વિતરણ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમત્તે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની અધ્યક્ષતામાં કેમ્પસના સર્વે તબીબો , સ્ટાફ મિત્રોએ અંગદાન મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા અને અંગદાનની જનજાગૃતિ ફેલાવવાના શપથ લીધા હતા.
સિવિલ હોસ્પિટલના ફાર્માલોજી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ફાર્માકોવિજીલેન્સ અઠવાડિયાના ભાગરૂપે દવાઓના યોગ્ય ઉપયોગ સમજાવતો વીડિયો આજે લોન્ચ કરવામાં આવ્યો હતો.
રામશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભેટ મળેલા પી.એફ.ટી. મશીનની સેવાઓને 1200 બેડ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત રેડિયોલોજી વિભાગમાં શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સુપ્રીટેન્ડ્ટ ડૉ. રાકેશ જોષી, મેડિકલ એસોસીયેશનના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શ્રી અનિલભાઇ નાયક, ગુજરાત નર્સીંગ કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા, રજીસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞાબેન ડાભી, સહિત હોસ્પિટલ સ્ટાફ, સમાજના અગ્રણીઓ આ સેવાકાર્યમાં જોડાયા હતા.