નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રનો રેકોર્ડ જાેરદાર હોવો જાેઈએઃ PM
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Modi_valsad-1024x647.jpg)
File
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ
(એજન્સી)વલસાડ, વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ ભાજપ ફુલ એક્શન મોડમાં આવી ગયુ છે. હવે ખુદ પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. આજે વલસાડમાં ભવ્ય રોડ શો બાદ તેમણે જનસભાને સંબોધન કર્યું.
વડાપ્રધાન મોદીનો વલસાડ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો ગણાય છે. ભાજપના ગઢ દક્ષિણ ગુજરાતની અહીં ૩૫ વિધાનસભા બેઠકને આ જનસભા દ્વારા ટાર્ગેટ કરવાનો પીએમ મોદીનો પ્લાન છે.
આદિવાસી ક્ષેત્રોમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થવાને લીધે કૃષિનો કાયાકલ્પ થયો છે.#ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત pic.twitter.com/cVZH4oCiYu
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 6, 2022
વલસાડમાં જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, એ ફોર આદિવાસી, મારા માટે આ સૌભાગ્યની પળ છે. મારી ચૂંટણીની પહેલી સભા આદિવાસી ભાઈ-બહેનોના આર્શીવાદ લઈને થઈ રહી છે. દિલ્હીમાં પણ હવે વાવડ આવે કે, ગુજરાતના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે.
જૂના બધા રેકોર્ડ તૂટશે. આ વખતે હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જાેરદાર હોવા જાેઈએ. રાજકારણમાં વર્ષોથી એક પેઢી ચાલ્યા કરે છે. ભાજપ સતત નવા લોકોને આગળ કરી રહી છે. આ વખતે પણ ગુજરાતમાં જનતા ભાજપને વિજય વાવટો લઈને નીકળી પડી છે. આ ચૂંટણી ભાજપ નહિ લડે, આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના લોકો લડે છે.
તેમણે કહ્યું કે, ગુજરાતે વિકાસના દરેક માપદંડમાં પોતાની ભૂમિકા અને સ્થાન ઉભુ કર્યું છે. અસ્થિરતામાંથી ઉભા થયેલા આપણે લોકો છીએ. વાર તહેવારે હુલ્લડ થાય, ભૂકંપમાઁથી આપણે ઉભા થયા છીએ, આ બધા પડકારોને ઝીલ્યા અને બધામાંથી રસ્તો કાઢીને આપણે ગુજરાતીઓએ ભેગા થઈને ગુજરાતને આગળ પહોંચાડ્યુ છે.
ગુજરાતીઓ દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યાં છે. ગુજરાતના ઉદ્યમીઓ ચારેતરફ ફેલાયેલા છે. અંદરથી અવાજ નીકળે છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. દરેક ગુજરાતીએ લોહી પરસેવો એક કરી ગુજરાત બનાવ્યું છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, એક સમયે અમારી આખી ટીમ ભિક્ષા માંગતી કે, તમારી દીકરીને ભણાવવાનું અમને વચન આપો.
અમે આદિવાસી વિસ્તારમાં દીકરીઓને ભણાવવાનું બીડુ ઉપાડ્યું. આજે ગુજરાતની દીકરીઓ નામ રોશન કરી રહી છે. આજે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજાે બની છે. આજે પરિવર્તન આવ્યુ છે. આજે આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડાયું છે.
ગુજરાતમાં વિશાળ સમુદ્રતટ છે, પરંતુ ગામડાઓ ખાલી થઈ રહ્યાં છે. માછીમારો માટે વ્યવસ્થા ઉભી કરી. હવે આપણે બંદરોનો વિકાસ કર્યો. સંબોધનના અંતે તેમણે કહ્યું કે, ગુજરાતમાં નફરતા ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય પસંદ કરતુ નથી. વર્ષોથી ગુજરાત વિરુદ્ધ કામ કરતી ટોળકીને હવે ગુજરાત પારખી ગઈ છે.
ગુજરાતના બે બે દાયકા થયા, ગુજરાતીઓ આવા લોકોના વાતમાં ક્યારેય આવતા નથી. તેથી તેમને તકલીફ થઈ રહી છે. ગુજરાતની જનતાને ફરક પડ્યો નથી. આ મારા ગુજરાતના નાગરિકોએ ગુજરાત બનાવ્યું છે.