19મીએ વલસાડમાં મોદીની જાહેરસભા બાદ 21મીએ જંબુસર અને નવસારીમાં રેલી

સોમનાથ દર્શન કરી મોદી સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશેઃ 3 દિવસમાં 8 રેલી-તા.21ના રોજ સુરેન્દ્રનગરમાં પણ રોડ-શો અને જાહેરસભા : તા.19થી 21 દરમિયાન વડાપ્રધાનનો ગુજરાત પ્રચાર કાર્યક્રમ જાહેર
રાજકોટ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની બીજા તબક્કાની ઉમેદવારી નોંધાવાનો ગુરૂવારે અંતિમ દિવસ છે અને તા. 18ના સાંજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ચૂંટણી પ્રવાસનો પ્રારંભ થઇ જશે અને શ્રી મોદી તા. 19થી 21 નવેમ્બરમાં ત્રણ દિવસમાં ગુજરાતમાં આઠ રેલીઓને સંબોધન કરશે.
શ્રી મોદી તા.20ના રોજ સોમનાથ મંદિરના દર્શન પણ કરશે. વડાપ્રધાનના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ તેઓ તા.19ના ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે અને પ્રથમ દિનમાં તેઓ વલસાડ ખાતે જાહેરસભાનેસંબોધિત કરશે અને બાદમાં તેઓ ગાંધીનગર ખાતે રાજભવનમાં નાઈટ હોલ્ટ કરશે. શ્રી મોદી તા.20ના સોમનાથ પહોંચશે અને સવારના દર્શન કર્યા બાદ તેઓ વેરાવળમાં એક જંગી જાહેરસભાને સંબોધન કરશે.

શ્રી મોદી બાદમાં ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જાહેરસભાને સંબોધન કરનાર છે અને રાત્રિના ગાંધીનગર પહોંચીને રાજભવન ખાતે નાઈટ હોલ્ટ કરશે અને તા.21ના રોજ તેઓ સુરેન્દ્રનગરમાં એક જાહેરસભાને સંબોધશે બાદમાં જંબુસર અને નવસારીમાં સભાને સંબોધીને દિલ્હી પરત જશે.
વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન પ્રથમ તબક્કાના મતદાનમાં સામેલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંનેને આવરી લેવાયા છે અને ચૂંટણી જાહેર થયા બાદનો તેમનો આ પ્રથમ સૌથી વિસ્તૃત કાર્યક્રમ છે અને તેમની આ ત્રણ દિવસની સભાઓમાં અંદાજે 30 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેવાનું આયોજન કરાયું છે. શ્રી મોદી બાદમાં તા. 23 અને 28 નવેમ્બરે પણ ગુજરાત આવી રહ્યા છે
પ્રથમ તબક્કાના મતદાન માટે વડાપ્રધાન તા.23થી 28 નવેમ્બર વચ્ચે વધુ 15 રેલીઓને સંબોધે તેવી ધારણા : દરેક રેલીમાં છથી સાત વિધાનસભા મત વિસ્તારોને આવરી લેવાશે
અને પ્રવાસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 15 રેલીઓને સંબોધીત કરશે અને આ રીતે પ્રથમ તબક્કામાં મતદાનના મોટાભાગના વિસ્તારોમાં શ્રી મોદીની રેલીઓ યોજાઇ જશે. તા. 28ના નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થઇ રહ્યો છે અને બાદમાં શ્રી મોદીનો બીજો તબક્કાનો પ્રવાસ શરુ થશે.
જે તા. 29 થી 3 ડીસેમ્બર સુધીમાં વડાપ્રધાન ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 જેટલી રેલીઓને સંબોધન કરશે. વડાપ્રધાનની દરેક સ્થળની રેલી આસપાસની 7 વિધાનસભા ક્ષેત્રને આવરી લે તે રીતે આયોજન કરાયું છે. શ્રી મોદી રાજભવન ખાતે રોકાણ દરમિયાન ભાજપના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને અન્ય મહાનગરોમાં રોડ-શો પણ યોજશે તેવા સંકેત છે.