Western Times News

Gujarati News

PM મોદી ૧૩ ડિસેમ્બરે પ્રયાગરાજ ખાતે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરશે

File Photo

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ ડિસેમ્બરે મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રયાગરાજ આવશે. આ દરમિયાન પીએમ મોદી મહાકુંભ વિસ્તારમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ૭ ડિસેમ્બરે તમામ તૈયારીઓની સમીક્ષા કરશે.

રાજ્ય સરકારે પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભનગરને નવા જિલ્લા તરીકે જાહેર કર્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદીના આગમન દરમિયાન, મહાકુંભનગર અને પ્રયાગરાજને તે જ રીતે સજાવવાની યોજના છે જે રીતે લોકો કોઈપણ તહેવાર દરમિયાન તેમના ઘરને શણગારે છે. આ ક્રમમાં તમામ વિભાગોને તેમની ઓફિસો અને બિલ્ડીંગોને સજાવવા માટે સૂચના આપવામાં આવી છે.

નિવેદન અનુસાર, ઇમારતોને રોશનીથી પ્રકાશિત કરવાની પણ યોજના છે. આ ઉપરાંત મુખ્ય ચોક અને રસ્તાઓને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવશે. ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત પીએમ મોદી જે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે તેને સમય પહેલા પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

વડા પ્રધાન મોદીના આગમનને લઈને ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૭ ડિસેમ્બરે પ્રયાગરાજમાં વ્યક્તિગત રીતે આ કામોની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે તમામ વિભાગો અને અધિકારીઓ વડાપ્રધાનની પ્રયાગરાજ મુલાકાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જાહેર બાંધકામ વિભાગ દ્વારા તમામ મહત્વપૂર્ણ રસ્તાઓનું નવીનીકરણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબ્લ્યુડી દ્વારા તમામ આંતરછેદો અને રસ્તાઓના બ્યુટીફિકેશનનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવશે. વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટીંગ અને થીમેટીક લાઈટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. વીજ વિભાગ દ્વારા તમામ વીજ વાયરો નાખવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.