Western Times News

Gujarati News

મેડિકલ કોલેજોમાં ૭૫ હજાર બેઠકો વધારવા વડાપ્રધાનની જાહેરાત

(એજન્સી)નવી દિલ્હી, સમગ્ર ભારત દેશમાં ૭૮મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. પંચરંગી પાઘડી પહેરીને વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિશ્વ સમક્ષ ભારતનું વિઝન રજૂ કર્યું હતું.

વર્ષ ૨૦૪૭માં ભારત આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને ત્યાં સુધીમાં વડાપ્રધાને ભારતને ફરીથી સોને કી ચિડિયા બનાવવા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમના ભાષણમાં તેમણે બાળકો, મહિલાઓ, છોકરીઓ, યુવાનો, વૃદ્ધો, સેના, ખેડૂતો વગેરે સહિત સમાજના દરેક વર્ગનો ઉલ્લેખ કર્યો હતો.

તેમની સરકારના આગામી ૫ વર્ષ માટેના લક્ષ્યોની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દેશવાસીઓનો સહયોગ પણ માંગ્યો હતો.

પીએમ મોદીએ તેમના ભાષણમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે ભારતની મહિલાઓ ઈનોવેશન, ટેક્નોલોજી, રોજગાર, એરફોર્સ, આર્મી, નેવી, સ્પેસ સેક્ટરમાં પોતાની પ્રતિભા બતાવી રહી છે. આ સાથે જ તેમણે મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતાઓ અને બહેનો સામે ગુનાઓથી રોષ જોવા મળ્યો છે. ગુનો કરનારા પાપીઓને સજા થાય, તેમને ફાંસીએ લટકાવવામાં આવે, આ ડર ઉભો કરવો પડશે.

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં આગામી ૫ વર્ષમાં મેડિકલ કોલેજોમાં ૭૫ હજાર બેઠકો વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દેશના યુવાનોને મેડિકલ શિક્ષણ માટે દેશની બહાર જવું નહીં પડે. મેડિકલ રિસર્ચ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ એક લાખ મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી ૫ વર્ષમાં ૭૫,૦૦૦ સીટ વધારીને અમે યુવાનોને ભારતમાં રહીને મેડિકલ કોર્સ કરવાની તક આપીશું.

વધુમાં કહ્યું કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ સમાપ્ત થયું છે. જેમાં ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે, અને મેડલ પણ જીત્યા છે. ભારત ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા માંગે છે. મોદી સરકાર આ માટે તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક એસોસિએશન સાથે વાત કરીને આ લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

એઆઈ ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં જ રમકડાં બને છે, જે હાઈટેક બની ગયા છે. ભારત એક વિશાળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ધરાવે છે. છૈં ટેક્નોલોજીએ આ ઉદ્યોગને નવો આકાર આપ્યો છે. તેથી, અમે ભારતમાં બનેલા રમકડાં અને ગેમિંગને સમગ્ર વિશ્વમાં લઈ જઈશું. વડાપ્રધાન મોદીએ ભાષણમાં સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.