Western Times News

Gujarati News

કાલુપુરથી દૂરદર્શન કેન્દ્ર સુધી પ્રધાનમંત્રીએ મેટ્રોમાં મુસાફરી કરી

 વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. 

આ ઉપરાંત પ્રધાનમંત્રી સાથે દર્શનાબેન જરદોશ, કિરીટ સોલંકી,  નરહરી અમિન, સી. આર. પાટીલ અને અન્ય અગ્રણીઓએ પણ મેટ્રોની મુસાફરી કરી હતી. મેટ્રોની મુસાફરી દરમ્યાન પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવવાની સાથે જ મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું છે. આ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબર ગાંધી જયંતિથી સામાન્ય નાગરિકો માટે દોડવા લાગશે.

થલતેજ-વસ્ત્રાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવામાં આવશે.  જેમાં નદી પાર કરીને ટ્રેન ભૂગર્ભમાં દોડશે.

જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદ્ધાટન કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.  જે હાલમાં 50 થી 60 કિલોમીટરની ગતીએ દોડશે અને ત્યારબાદ ઝડપ વધારાશે.

બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.