સુરત એરપોર્ટથી પાટીદારોના ગઢ ગણાતા વરાછા સુધી પ્રધાનમંત્રીનો રોડ શો
સુરત, વડાપ્રધાન આવતીકાલે રવિવારે ખેડા, નિઝર અને સુરતમાં રેલીને સંબોધીત કરશે. સૌથી મહત્વનું એ છે કે સુરતમાં વડાપ્રધાનની રેલી સૌથી ચર્ચિત બેઠક અને પાટીદારોના ગઢ વરાછામાં યોજાઈ રહી છે.
વડાપ્રધાન એરપોર્ટથી મોટા વરાછા સુધીનો રોડ-શો કરશે અને બાદમાં તેઓ સભાને સંબોધીત કરશે. વરાછા બેઠક એ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે જ્યાં પાસના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરીયા ‘આપ’ના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે ભાજપે એક તબક્કે અહીં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર કાનાણીની ટીકીટ કાપવાનું નક્કી જ કર્યું હતું પરંતુ ‘આપે’ પાસના નેતાને મેદાનમાં ઉતારતા કાનાણીને ટીકીટ મળી ગઇ. જેઓ ગત ચૂંટણીમાં જીત્યા હતા તો કોંગ્રેસ તરફથી અહીં પ્રફુલભાઈ તોગડીયાને મેદાનમાં ઉતારાયા છે
અને ત્રણેય વચ્ચેનો જંગ રસપ્રદ બનશે તે સમયે મોદી અહીં રોડ-શો અને રેલી યોજીને પોતે સુરતને 2017ની જેમ ભાજપ સાથે જ રહે તે જોવા પ્રયત્ન કરશે. રસપ્રદ બાબત એ છે કે રેલી બાદ મોદી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાનાર છે અને તે સમયે પાટીદાર સમાજના અનેક નેતાઓને મોદીને મળવા માટે તેડુ આવશે તે નિશ્ચિત છે.
સોમવારે વડાપ્રધાન પાલીતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં રેલી યોજવાના છે. જામંનગર અને રાજકોટમાં છેલ્લા દોઢ માસમાં મોદીની આ બીજી રેલી હશે.
બાદમાં તેઓ ફરી તા. 1ના રોજ ગુજરાત આવશે અને તે સમયે રાજ્યમાં 89 બેઠકો પર મતદાન ચાલતુ હશે. મોદી તે સમયે બીજા તબક્કામાં આવરી લેવાયેલ પંચમહાલની છોટા ઉદેપુર અને હિંમતનગર બેઠકની રેલીને સંબોધીત કરશે અને રાત્રે ગાંધીનગર પરત આવશે.