“માનગઢએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોનો સહિયારો વારસો છે”
સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-“ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા”
ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભારતનું ભવિષ્ય આદિવાસી સમુદાય વગર ક્યારેય પૂરું નહીં થાય”
“માનગઢના સર્વાંગી વિકાસ માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે મળીને ભાવિ રૂપરેખા ઘડવા માટે કામ કરશે”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘માનગઢધામ કી ગૌરવ ગાથા’ નામના એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતી અને સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ ધૂની દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માનગઢની પવિત્ર ભૂમિમાં રહેવું હંમેશા પ્રેરણાદાયક છે. આ ભૂમિ આપણા આદિવાસી બહાદુરોની તપસ્યા, બલિદાન, શૌર્ય અને શહીદીનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, “માનગઢ એ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોનો સહિયારો વારસો છે”. 30 ઓક્ટોબરે ગોવિંદ ગુરુની પુણ્યતિથિ હતી જેથી પ્રધાનમંત્રીએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જુના દિવસોની યાદો તાજી કરતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, ગુજરાતનો હિસ્સો રહેલા માનગઢ પ્રદેશની સેવા કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો હતો અને માહિતી આપી કે ગોવિંદ ગુરુએ પોતાના જીવનના અંતિમ વર્ષો અહીં વિતાવ્યા હતા, અને તેમની ઉર્જા તેમજ જ્ઞાનની અનુભૂતિ આજે પણ આ ભૂમિની માટીમાં થાય છે.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, વન મહોત્સવના મંચ દ્વારા દરેક વ્યક્તિને અનુરોધ કર્યા પછી આ સમગ્ર વિસ્તાર, જે એક સમયે ઉજ્જડ જમીન હતો તે હવે હરિયાળીમાં રૂપાંતરિત થઇ ગયો છે. પ્રધાનમંત્રીએ આ અભિયાન માટે નિઃસ્વાર્થપણે કામ કરવા બદલ આદિવાસી સમુદાય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસના પરિણામે માત્ર સ્થાનિક લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે એવું નથી પરંતુ ગોવિંદ ગુરુના ઉપદેશોનો પ્રચાર પણ થયો છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, “ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા.
ગોવિંદ ગુરુએ પોતાનો પરિવાર ગુમાવ્યો પરંતુ ક્યારેય તેઓ દિલથી ભાંગી પડ્યા નહોતા અને દરેક આદિવાસી વ્યક્તિને તેમણે પોતાના પરિવારજનો બનાવ્યા હતા.” પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ગોવિંદ ગુરુ આદિવાસી સમુદાયના અધિકારો માટે બ્રિટિશરો સામે લડ્યા હતા,
તો સાથે સાથે તેમણે તેમના પોતાના સમુદાયની બદીઓ સામે પણ અભિયાન ચલાવ્યું હતું કારણ કે તેઓ એક સમાજ સુધારક, આધ્યાત્મિક અગ્રણી, એક સંત અને નેતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું બૌદ્ધિક અને દાર્શનિક પાસું તેમની હિંમત અને સામાજિક સક્રિયતા જેટલું જ જીવંત હતું.
17 નવેમ્બર 1913ના રોજ માનગઢમાં થયેલા હત્યાકાંડની વાતોને યાદ કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તે ઘટના ભારતમાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવતી અત્યંત ક્રૂરતાનું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “એક તરફ આપણી પાસે નિર્દોષ આદિવાસીઓ હતા કે જેઓ આઝાદી માંગી રહ્યા હતા,
તો બીજી તરફ, બ્રિટિશ હકુમત સંભાળનારા શાસકો હતા કે જેમણે માનગઢની ટેકરીઓને ચારેબાજુથી ઘેરી લીધા પછી, ધોળા દિવસે પંદરસોથી વધુ નિર્દોષ પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની કરપીણ હત્યા કરી હતી.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ સંજોગોના કારણે, સ્વતંત્રતાના સંગ્રામની આવી નોંધપાત્ર અને પ્રભાવશાળી ઘટનાને ઇતિહાસના પુસ્તકોમાં ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ આઝાદી કા અમૃત મહોત્સવમાં, ભારત આ ખાલીપો ભરી રહ્યું છે અને દાયકાઓ પહેલાં થયેલી ભૂલોને સુધારી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભારતનું ભવિષ્ય આદિવાસી સમુદાય વગર ક્યારેય પૂરું નહીં થાય. આપણી આઝાદીના સંગ્રામની ગાથાના દરેક પાના આદિવાસીઓના શૌર્યથી ભરેલા છે. પ્રધાનમંત્રીએ 1780ના દાયકાની શરૂઆતમાં તિલક માંઝીના નેતૃત્વ હેઠળ સંથાલ સંગ્રામ લડવામાં આવ્યો
ત્યારે થયેલા ગૌરવપૂર્ણ સંઘર્ષોને યાદ કર્યા હતા. તેમણે 1830-32માં રાષ્ટ્ર જ્યારે બુધુ ભગતના નેતૃત્વમાં લારકા આંદોલનનું સાક્ષી બન્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1855માં સિદ્ધુ-કાન્હુક્રાંતિએ રાષ્ટ્રમાં ઉર્જા ભરી દીધી હતી. ભગવાન બિરસા મુંડાએ પોતાની તાકાત અને દેશભક્તિથી દરેકને પ્રેરણા આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સદીઓ પહેલાં ગુલામીની શરૂઆત થઇ ત્યારથી માંડીને, 20મી સદી સુધી જ્યારે આઝાદીની જ્યોત આદિવાસી સમુદાય દ્વારા પ્રજ્વલિત રાખવામાં આવી ત્યાં સુધી તમને સમયનો કોઇ પૅચ જોવા મળશે નહીં”. તેમણે આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુનો ઉલ્લેખ કર્યો હતો.
રાજસ્થાનમાં આ પહેલાં પણ આદિવાસી સમાજ મહારાણાપ્રતાપની પડખે ઉભો રહ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે આદિવાસી સમુદાય અને તેમના બલિદાનના ઋણી છીએ. આ સમાજે પ્રકૃતિ, પર્યાવરણ, સંસ્કૃતિ અને પરંપરાઓમાં ભારતનું ચરિત્ર જાળવી રાખ્યું છે. આજે રાષ્ટ્ર માટે તેમની સેવા કરીને તેમનો આભાર વ્યક્ત કરવાની ક્ષણ છે”.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવા જઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “જનજાતિય ગૌરવ દિવસ એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના ઇતિહાસ વિશે લોકોને શિક્ષિત કરવાની દિશામાં એક પ્રયાસ છે”.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી સમાજના ઇતિહાસને લોકો સુધી લઇ જવા માટે સમગ્ર દેશમાં આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત વિશેષ સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ભવ્ય વારસો હવે વિચાર પ્રક્રિયાનો એક હિસ્સો બનશે અને યુવા પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ દેશમાં આદિવાસી સમાજની ભૂમિકાનું વિસ્તરણ કરવા માટે સમર્પણની ભાવના સાથે કામ કરવાની જરૂર હોવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, દેશ રાજસ્થાન અને ગુજરાતથી માંડીને પૂર્વોત્તર અને ઓરિસ્સા સુધીના દેશના તમામ ભાગોમાં વૈવિધ્યસભર આદિવાસી સમાજની સેવા કરવા માટે સ્પષ્ટ નીતિઓ સાથે કામ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આદિવાસીઓને પાણી અને વીજળી જોડાણો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અને રોજગારની તકો પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “આજે, દેશમાં વનાવરણમાં પણ વધારો થઇ રહ્યો છે અને સંસાધનોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે”.
તેમણે આગળ કહ્યું હતું કે, “આની સાથે સાથે, આદિવાસી વિસ્તારોને પણ ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવામાં આવી રહ્યા છે.” પ્રધાનમંત્રીએ એકલવ્ય નિવાસી શાળાઓનો પણ ઉલ્લેખ કર્યો જે પરંપરાગત કૌશલ્યો સાથે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણની તકો પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, તેઓ ગોવિંદ ગુરુજીના નામ પર રાખવામાં આવેલી યુનિવર્સિટીના ભવ્ય પ્રશાસનિક પરિસંકુલનું ઉદ્ઘાટન કરવા માટે જાંબુઘોડા જશે.
પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું હતું કે, ગઇકાલે સાંજે જ તેમણે અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજ લાઇન પર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તેમણે 300 કિમી લાઇન રાજસ્થાનના લોકો માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે તેના પર ભાર મૂક્યો હતો, કારણ કે આ લાઇન ગુજરાતના ઘણા આદિવાસી વિસ્તારોને રાજસ્થાનના આદિવાસી વિસ્તારો સાથે જોડશે અને આ પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસ તેમજ રોજગારીને વેગ આપશે.
માનગઢધામના સર્વાંગી વિકાસ અંગેની ચર્ચા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માનગઢધામના ભવ્ય વિસ્તરણની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ગોવિંદ ગુરુજીનું આ સ્મારક સ્થળ દુનિયાના નકશા પર સ્થાન મેળવી શકે તે માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ચાર રાજ્ય સરકારોને સાથે મળીને કામ કરવા અને એક ભાવિરૂપ રેખા તૈયાર કરવા વિશે વિગતવાર ચર્ચા કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે માનગઢધામનો વિકાસ આ વિસ્તારને નવી પેઢી માટે પ્રેરણાનું સ્થાન બનાવશે”.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી અર્જૂન રામ મેઘવાલ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી ફગ્ગનસિંહ કુલસ્તે, સાંસદો, ધારાસભ્યો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.