“છેલ્લા 7-8 વર્ષોની અંદર આદિવાસી કલ્યાણ માટે બજેટની ફાળવણીમાં ત્રણ ગણો વધારો થયો છે”: મોદી
“આદિવાસી સમુદાયોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે જ્યાં જ્યાં પણ સરકારો રચી છે ત્યાં ત્યાં અમે આદિવાસી કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે”-વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારે મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ
“આદિવાસી બાળકોને આગળ વધવા માટે નવા અવસરો પ્રાપ્ત થયા છે”-“સબકા પ્રયાસ સાથે, અમે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાપી જિલ્લાના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારેના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આ પરિયોજનાઓમાં ખૂટતી કડીઓના નિર્માણ સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાની સુધારણા કામગીરી અને તાપી અને નર્મદા જિલ્લાઓમાં રૂ. 300 કરોડથી વધારે મૂલ્યની જળ પુરવઠા પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં હાજર રહેલા લોકોના ઉત્સાહ અને લાગણીને બિરદાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે બે દાયકાઓથી તેમનો આ સ્નેહ મેળવીને ધન્યતાની લાગણી અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે, “તમે લોકો ખૂબ દૂર દૂરથી અહીં આવ્યાં છો. તમારી ઉર્જા અને તમારો ઉત્સાહ જોઇને મારું મન ખૂબ જ ખુશી અનુભવે છે અને મારી ઉર્જાના સ્તરમાં વધારો થાય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું હૃદયપૂર્ણ રીતે તમારા વિકાસ માટે કામગીરી કરીને આ ઋણને ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે પણ તાપી અને નર્મદા સહિત આ સમગ્ર આદિવાસી વિસ્તારોના વિકાસ સંબંધિત કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશે આદિવાસીઓના હિતો અને આદિવાસી સમુદાયોના કલ્યાણ સંબંધિત બે પ્રકારની રાજનીતિ જોઇ છે. એક તરફ જ્યારે તેવા પક્ષો રહેલા છે જેમણે આદિવાસીઓના હિતોની ક્યારેય પરવા કરી નથી અને આદિવાસીઓને ખોટા વચનો આપવાનો ઇતિહાસ ધરાવે છે
જ્યારે બીજી તરફ ભાજપ જેવા પક્ષે આદિવાસી કલ્યાણને હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “એક તરફ જ્યારે અગાઉની સરકારો આદિવાસી પરંપરાઓની મજાક ઉડાવતી હતી ત્યારે અમે આદિવાસી પરંપરાઓનું સન્માન કરીએ છીએ.” તેમણે જણાવ્યું હતું કે, “આદિવાસી સમુદાયોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે જ્યાં જ્યાં સરકારો રચી છે ત્યાં ત્યાં અમે આદિવાસી કલ્યાણનો સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.”
Live: માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે તાપી જિલ્લામાં ગુણસદા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/Lp8AhS8c4w
— CMO Gujarat (@CMOGuj) October 20, 2022
આદિવાસી સમુદાયો અંગે બોલતાં પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “મારા આદિવાસી ભાઇઓ અને બહેનો વીજળી, ગેસ જોડાણ, શૌચાલય, તેમના ઘર સુધી પહોંચતા રસ્તાઓ, નજીકમાં તબીબી કેન્દ્ર, નજીકના સ્થળમાં આવકના સાધનો અને બાળકો માટે સ્કૂલ સહિત તેમનું પોતાનું પાકુ મકાન ધરાવતાં હોવા જોઇએ.” તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ જોયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક ગામ આજે 24 કલાક વીજ પુરવઠો ધરાવે છે પરંતુ પહેલું સ્થળ જ્યારે દરેક ગામને વીજળીની સુવિધા સાથે જોડવામાં આવ્યું હતું કે આદિવાસી જિલ્લો ડાંગ હતો.” પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, “આશરે દોઢેક દાયકા અગાઉ જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના 300થી વધારે ગામડાઓમાં 100 ટકા વીજળીકરણનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાંથી મળેલી આ પ્રેરણાએ જ્યારે તમે મને પ્રધાનમંત્રી તરીકે દિલ્હી મોકલ્યો ત્યારે દેશમાં દરેક ગામડાઓમાં વીજળીકરણ હાથ ધરવા તરફ દોરી ગઇ છે.”
પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારોમાં ખેતીને નવું જીવન આપવા માટે હાથ ધરવામાં આવેલી વાડી યોજના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ અગાઉની પરિસ્થિતિને યાદ કરી જ્યારે આદિવાસી વિસ્તારોમાં બાજરી-મકાઇ ઉગાડવી અને ખરીદવી મુશ્કેલ હતી.
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, “આજે, કેરી, જામફળ અને લીંબુ જેવા ફળોની સાથે આદિવાસી વિસ્તારોમાં કાજુની ખેતી કરવામાં આવે છે”. તેમણે આ સકારાત્મક પરિવર્તન માટે વાડી યોજનાને શ્રેય આપ્યો અને માહિતી આપી કે આ યોજના દ્વારા આદિવાસી ખેડૂતોને વેરાન જમીન પર ફળો, સાગ અને વાંસની ખેતી કરવામાં મદદ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે “આજે આ કાર્યક્રમ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચાલી રહ્યો છે”. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ વલસાડ જિલ્લામાં તેને જોવા આવ્યા હતા અને તેમણે આ પ્રોજેક્ટની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
શ્રી મોદીએ ગુજરાતમાં બદલાયેલી પાણીની પરિસ્થિતિ વિશે પણ વાત કરી હતી. ગુજરાતમાં વીજળીની ગ્રીડની લાઇનોની જેમ વોટર ગ્રીડ નાખવામાં આવી રહી છે. તાપી સહિત સમગ્ર ગુજરાતમાં કેનાલ અને લિફ્ટ ઇરીગેશન નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડાબા કાંઠા કેનાલમાંથી પાણી ઉપાડવામાં આવ્યું છે
અને પછી તાપી જિલ્લામાં પાણીની સુવિધામાં વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે, ઉકાઇ યોજનાનું સેંકડો કરોડ રૂપિયાના રોકાણથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રોજેક્ટ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે પાણીની સુવિધામાં વધુ સુધારો કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “એક એવો સમય હતો જ્યારે ગુજરાતમાં 100 માંથી માત્ર 25 પરિવારો પાસે જ પાણીનું જોડાણ હતું. આજે ગુજરાતમાં 100% ઘરોમાં પીવાનું પાણી પાઇપ વડે પહોંચી રહ્યું છે.”
વનબંધુ કલ્યાણ યોજના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગુજરાતમાં આદિવાસી સમાજ માટેની દરેક પાયાની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, તેની કલ્પના અને અમલીકરણ કરવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, “આજે આપણે જોઇ રહ્યા છીએ કે તાપી અને આસપાસના અન્ય આદિવાસી જિલ્લાઓની અનેક દીકરીઓ અહીં શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા માટે જાય છે.
હવે આદિવાસી સમાજના ઘણા દીકરા અને દીકરીઓ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે, ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે”. પ્રધાનમંત્રીએ એ પણ યાદ કર્યું હતું કે, આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે આ યુવાનોનો જન્મ થયો હતો, ત્યારે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં માત્ર જૂજ સંખ્યામાં જ શાળાઓ હતી અને વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે ભાગ્યે જ પૂરતી સગવડો હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગુજરાતમાં ગઇ કાલે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે, મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ અંતર્ગત આદિવાસી તાલુકાઓમાં લગભગ 4,000 શાળાઓને આધુનિક બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લા બે દાયકા દરમિયાન આદિવાસી વિસ્તારોમાં 10 હજાર કરતાં વધુ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, એકલવ્ય મોડલ સ્કૂલ અને દીકરીઓ માટે વિશેષ નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે. નર્મદાની બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આદિવાસી યુવાનોને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડે છે. આદિવાસી બાળકો માટે શિષ્યવૃત્તિનું બજેટ હવે બમણાથી વધુ કરી દેવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “એકલવ્ય શાળાઓની સંખ્યામાં પણ અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું હતું કે, “આપણા આદિવાસી બાળકો માટે, અમે શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા કરી છે અને તેમને જો વિદેશમાં અભ્યાસ કરવો હોય તો તેના માટે આર્થિક મદદ પણ કરી હતી”. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા રમતગમતમાં પારદર્શિતા લાવવાના ફાયદાઓ અને આદિવાસી બાળકોને તેમની ક્ષમતા વિકસાવવા અને વિકાસ કરવાની નવી તકો પૂરી પાડવાના ફાયદાઓનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના પર એક લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુનો ખર્ચ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હવે આ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત સરકાર ફરીવાર એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવા જઇ રહી છે.
આ સાથે આદિવાસી બાળકો માટે ઘણી નવી શાળાઓ, સંખ્યાબંધ હોસ્ટેલ, નવી મેડિકલ કોલેજો અને નર્સિંગ કોલેજો પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “આ યોજના હેઠળ, સરકાર આદિવાસીઓ માટે 2.5 લાખ કરતાં વધુ ઘરો બનાવવાની પણ તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આદિવાસી વિસ્તારોમાં લગભગ એક લાખ આદિવાસી પરિવારોને 6 લાખથી વધુ મકાનો અને જમીનના પટ્ટા આપવામાં આવ્યા છે”.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારો સંકલ્પ” આદિવાસી સમાજને કુપોષણની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે. આથી જ કેન્દ્ર સરકારે ‘પોષણ અભિયાન’ નામથી એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે, જેના દ્વારા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક ખાવામાં મદદરૂપ થવા માટે હજારો રૂપિયાની કિટ આપવામાં આવી રહી છે.
માતાઓ અને બાળકોને સમયસર રસી મળી રહે આવે તે સુનિશ્ચિત કરવા માટે મિશન ઇન્દ્રધનુષ હેઠળ એક વિશાળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યારે અઢી વર્ષથી વધુ સમય થઇ ગયો છે, જેમાં દેશભરમાં ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં તેના પર 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચુકી છે. આપણી માતાઓ અને બહેનો ધુમાડાથી થતા રોગોથી મુક્ત રહે તે માટે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 10 કરોડ મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ લાખો આદિવાસી પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળી છે.
ભારતના સ્વાતંત્ર્ય ચળવળના ઇતિહાસમાં આદિવાસી સમુદાયના વિસરાઇ ગયેલા વારસાને ફરીથી સ્થાપિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આદિવાસી સમુદાયનો વારસો ઘણો સમૃદ્ધ છે. તેમણે કહ્યું હતું,
“હવે પ્રથમ વખત, દેશ ભગવાન બિરસામુંડાની જન્મજયંતિ 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્રતાની જંગમાં આપેલા યોગદાનને દેશભરમાં સંગ્રહાલયો દ્વારા સાચવવામાં આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે.
જ્યારે આદિજાતિ મંત્રાલય અસ્તિત્વમાં નહોતું તે સમયને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું કે, જ્યારે અટલજીની સરકાર સત્તામાં આવી ત્યારે તેમણે પ્રથમ વખત અલગથી આદિજાતિ મંત્રાલયની રચના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગ્રામ સડક યોજના અટલજીની સરકાર વખતે શરૂ કરવામાં આવી હતી,
જેના પરિણામે આદિવાસી વિસ્તારોને ઘણા લાભો મળ્યા છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારી સરકારે આદિવાસીઓ સાથે થઇ રહેલા અન્યાયને સમાપ્ત કરવાનું કામ કર્યું છે”. તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજના કલ્યાણ સંબંધિત બજેટમાં પણ છેલ્લાં 8 વર્ષમાં ત્રણ ગણાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે જેનાથી આપણા આદિવાસી યુવાનો માટે રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો ઊભી થઇ છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “વિકાસની આ ભાગીદારી સતત મજબૂત થવી જોઇએ”. તેમણે આદિવાસી યુવાનોની ક્ષમતાને વધારવા માટે ડબલ એન્જિન સરકારના પ્રયાસોમાં જોડાવા માટે સૌને અનુરોધ કર્યો હતો. સમાપનમાં તેમણે કહ્યું હતું કે, “સબ કા પ્રયાસ મંત્ર સાથે, અમે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું.”
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, સંસદ સભ્યો શ્રી સી. આર. પાટીલ, શ્રી કે.સી. પટેલ, શ્રી મનસુખ વસાવા અને શ્રી પ્રભુભાઇ વસાવા તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી રૂષિકેશ પટેલ, શ્રી નરેશભાઇ પટેલ, આ પ્રસંગે શ્રી મૂકેશભાઇ પટેલ, શ્રી જગદીશ પંચાલ અને શ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.