યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પરમાણુ પ્રતિષ્ઠાનોની સુરક્ષા પર ચર્ચા કરી
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. પીએમઓએ ટ્વીટ કરી કહ્યું કે પીએમ મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલીફોન પર યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી છે.
આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધને જલદી ખતમ કરવા અને વાતચીત તથા કૂટનીતિના માર્ગ પર પરત ફરવાની જરૂરીયાત વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ એકવાર ફરી ભારતના દ્રઢ વિશ્વાસને પુનરાવર્તિત કરતા કહ્યું કે સંઘર્ષનું કોઈ સૈન્ય સમાધાન ન હોઈ શકે. તેમણે ઝેલેન્સ્કીનેને કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદાન માટે ભારતની તત્પરતાની માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિના ગમે તે પ્રયાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે હંમેશા તૈયાર છે.
પ્રધાનમંત્રીએ ઝેલેન્સ્કી સાથે વાતચીતમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો અને બધા દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવાના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આ વખતે ભાર આપ્યો કે ભારત યુક્રેન સહિત બધા પરમાણુ પ્રતિષ્ઠાનોની સુરક્ષાને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે પરમાણુ પ્રતિષ્ઠાનોના ખતરામાં હોવાથી જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશકારી પરિણામ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં યુદ્ધને સાત મહિના કરતા વધુનો સમય થઈ ગયો છે અને હાલ કોઈ સમાધાન નિકળતું લાગી રહ્યું નથી. મંગળવારે રશિયન સંસદના ઉપલા ગૃહે ચાર યુક્રેની ક્ષેત્રોના વિલય સાથે જાેડાયેલી સંધીઓને મંજૂરી આપી હતી.
રશિયાની સંસદના ઉપલા ગૃહ ફેડરેશન કાઉન્સિલે મંગળવારે પૂર્વી દોનેત્સક તથા લુહાન્સ્ક અને દક્ષિણી ખેરસોન તથા જાપોરિઝિ્ઝયા ક્ષેત્રને રશિયાનો ભાગ બનાવવા સાથે જાેડાયેલી સંધીઓને મંજૂરી આપવા માટે મતદાન કર્યું હતું.
આ વચ્ચે રશિયન સૈનિકોના મૃતદેહ પૂર્વી યુક્રેનના મુખ્ય શહેરના રસ્તા પર જાેવા મળ્યા હતા.
યુક્રેનની સેના દ્વારા ઘેરવાના ડરને કારણે રશિયાના સૈનિક સપ્તાહાંતમાં લાઇમૈન શહેરથી બહાર આવી ગયા હતા. તેનાથી યુક્રેનની કાર્યવાહીને બળ મળ્યું, જે રશિયાના કબજાવાળા ક્ષેત્રો પર બીજીવાર પોતાનું નિયંત્રણ કરવા માટે સખત મહેનત કરી રહ્યાં છે.