PM મોદીએ પહેલા પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા કરી
ઓડિશામાં ૧૦મી જૂને ડબલ એન્જિન સરકાર બનશે ઃ મોદી
(એજન્સી)ઢેંકનાલ, લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM Narendra Modi at Jagannath Puri Temple.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ચાર તબક્કાનું મતદાન પહેલા થઈ ચૂક્યું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ હવે તેના અંત તરફ આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદી દેશના વિવિધ રાજ્યોમાં જઈને ભારતીય જનતા પાર્ટી માટે રેલીઓ પણ કરી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી ઓડિશા પહોંચ્યા હતા.
જ્યાં તેમણે સૌથી પહેલા પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. આ પછી પુરીમાં સંબિત પાત્રા માટે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા.
અહીં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવો પણ દાવો કર્યો કે આ વખતે ઓડિશામાં ડબલ એન્જિનની સરકાર બનશે. વડાપ્રધાન મોદીએ પોતાની રેલીની શરૂઆત જય જગન્નાથ અને જય શ્રી રામના નારા લગાવીને કરી હતી.
વડાપ્રધાને બીજેડી સરકાર પર પ્રહાર કરતા લોકોને કહ્યું હતું કે ‘તમે ૨૫ વર્ષ સુધી બીજેડી સરકાર પર ભરોસો મૂક્યો. પરંતુ આજે લોકો વિચારી રહ્યા છે કે ઓડિશાએ આટલા વર્ષોમાં શું મળ્યું?. આજે પણ અહીં ખેડૂતો પરેશાન છે. યુવાનો નોકરી માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારો જ્યાં જળ, જંગલ, જમીન અને ખનીજ સંપત્તિ છે, ત્યાં સૌથી વધુ દુર્દશા છે. મોટા ભાગનું સ્થળાંતર આ વિસ્તારોમાંથી થાય છે.
મેં શપથગ્રહણની તારીખ પહેલા જ જણાવી દીધી છે. હું દરેકને આમંત્રિત કરવા આવ્યો છું કે ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૦ જૂને ઓડિશામાં યોજાશે.