ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ – વડાપ્રધાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે.
વડાપ્રધાનશ્રી એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે છે તેવા સમયે ખાદી સસ્ટેનેબલ ક્લોધિંગ પુરવાર થાય તેમ છે. સાથે સાથે ખાદીએ ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
સાબરમતીના તટ ખાતે ખાદી ઉત્સવમાં 7500 જેટલા ખાદી કારીગરોએ એકસાથે ચરખો કાંત્યો હતો. જ્યારે વડાપ્રધાનશ્રીએ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચરખો કાંતીને પ્રેરણાત્મક સંદેશો પાઠવીને ખાદી કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો.
વડાપ્રધાનશ્રી એ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કાર્યાલય ભવનનું પણ ઇ-લોકાર્પણ કરીને પ્રજાજનોની સેવામાં અર્પણ કર્યું હતુ.
વડાપ્રધાનશ્રીએ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે રૂ. 74 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ કરીને અમદાવાદીઓને નવા નઝરાણાની ભેટ ધરી હતી.
તેમણે સાબરમતી રિવરફ્રંટ પર નવનિર્મિત અટલ બ્રિજ સાબરમતી નદી કે નદીના બે કિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનમાં અભૂતપૂર્વ હોવાનું જણાવી અટલજી અને ગુજરાતના પ્રસિદ્ધ પતંગ મહોત્વનું સમન્વય હોવાનું પણ ઉમેર્યું હતુ.
અટલ બ્રિજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે, વર્ષ 1996માં અટલજી ગાંધીનગર લોકસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા હતા . આ બ્રિજના નિર્માણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
તેમણે જણાવ્યુ હતુ કે, વિશ્વમાં વધુ તાપમાન ધરાવતા દેશમાં ખાદી શ્રેષ્ઠ વસ્ત્ર પુરવાર થાય તેમ છે ત્યારે વિશ્વના ગ્લોબલ માર્કેટમાં ખાદીની ઊંચી માંગ છે તેને પગલે ખાદી સાથે જોડાયેલા લોકો માટે વિશાળ તકો સર્જાવાની છે. ખાદી આજે લોકલથી ગ્લોબલના પથ પર આગળ વધી ચૂકી હોવાનું તેમણે કહ્યું હતુ.
વડાપ્રધાનશ્રીએ ખાદીને વૈશ્વિક બનાવવાની પહેલ કરતા અનુરોધ કર્યો હતો કે, રાજ્ય અને દેશના લોકો આગામી તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવાયેલા ઉત્પાદનો ઉપહાર તરીકે અન્યને ભેટ સ્વરૂપે આપે તે સમયની માંગ છે, એટલું જ નહીં વિદેશ જતા લોકો પણ ખાદીના ઉત્પાદનો ભેટ તરીકે સાથે લઇ જાય તે પણ જરૂરી છે, તેનાથી વિદેશની ધરતી પર ખાદી વધુ પ્રચલિત બનશે.
જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે તે દેશ નવો ઇતિહાસ રચી શકતો નથી તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે. ત્યારે કેન્દ્ર સરકારે ખાદીના પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકાર પણ તે જ દિશામાં આગળ વધી રહી છે તે પ્રશંસનીય છે.
વડાપ્રધાનશ્રી એ આ પ્રસંગે સ્વયંમ ચરખો કાંત્યા બાદ જણાવ્યું હતું કે, ચરખો કાંતવાની ક્ષણ મને મારા બાળપણમાં લઇ જાય છે. તેમણે કહ્યું હતુ કે,મારા માતાજી પણ આર્થિક ઉપાર્જન માટે સૂતર કાંતતા હતા તે દૃશ્યોનું આજે મને પુન:સ્મરણ થયું છે. સુતર કાંતણને યૌગિક આરાધના સાથે સરખાવતા તેમણે કહ્યું કે, ભક્ત જેમ ભગવાનની પૂજા કરવા જે સામગ્રીનો ઉપયોગ કરે છે તે જ રીતે સુતર કાંતણ એવી જ સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની ધડકન બનેલા ચરખાનું કાંતણ જેવા સ્પંદનનો અનુભવ સાબરમતીના તટ પર થયો છે.