Western Times News

Gujarati News

બ્રિટનના PM ઋષિ સુનક મોરારિ બાપુની રામકથા સાંભળવા પહોંચ્યા

ઋષિ સુનકે કહ્યું હિંદુ હોવાથી રામકથા સાંભળવા આવ્યો છું- મોરારિ બાપુએ પોતાની કામળી અને શિવલિંગ પણ ઋષિ સુનકને ભેટમાં આપ્યું. 

બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું કે, તેમને બ્રિટિશ અને હિંદુ હોવા પર ગર્વ છે, તેમણે બાળપણમાં પોતાના પરિવાર સાથે મંદિર જવાની વાતને યાદ કરી

નવી દિલ્હી, શું તમે ક્યારેય વિચાર્યું હતું કે કોઈ વિદેશી વડાપ્રધાન કોઈ હિંદુ કથાવાચકના મુખેથી કહેવાતી રામકથા સાંભળવા પહોંચશે? પરંતુ આવું થયું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રામકથા સાંભળવા પહોંચ્યા હતા. આ રામકથા બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ હતી અને કથાકાર હતા મોરારિ બાપુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારિ બાપુની રામકથા બેઠી છે. PM Rishi Sunak Morari arrived to hear Bapu’s Ramkatha

જેમાં મંગળવારે એકાએક બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચી ગયા હતા. ઋષિ સુનક કથામાં પહોંચ્યા પછી સામાન્ય વ્યક્તિની જેમ જ મોરારિ બાપુની સામે ખુરશીમાં બેઠા હતા. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિંદુ હોવાના લીધે કથા સાંભળવા આવ્યા છે. ઋષિ સુનકે વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત ઋષિ સુનકે જય સીયારામના નાદ સાથે કરી હતી.

તેમણે કહ્યું, ‘વડાપ્રધાન તરીકે કામ કરવું ઘણું મુશ્કેલ હોય છે. કેટલાય અઘરા ર્નિણયો લેવા પડે છે, મુશ્કેલ કામ પાર પાડવા પડે છે. એટલે જ મને આશીર્વાદ આપો. મોરારિ બાપુની કથામાં હાજરી આપવી મારા માટે સન્માન અને ખુશીની વાત છે. મોરારિ બાપુના મંચ પર પાછળની બાજુએ હનુમાજીનું ગોલ્ડન રંગનું ચિત્ર છે એ જ પ્રકારે ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટમાં મારી ડેસ્ક ઉપર હું ભગવાન ગણેશજીની મૂર્તિ રાખું છું.

મને આ વાતનો ગર્વ છે. આપણા ગ્રંથોમાં એક નેતાએ કરવાના કાર્યોનો જે ઉલ્લેખ છે તેને કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. તમારી ઉર્જા મને પ્રેરણા આપે છે. ગત અઠવાડિયે જ તમે ભારતમાં ૧૨ જ્યોર્તિલિંગ ફરી-ફરીને રામકથા કરી અને તેના માટે ૧૨ હજાર કિલોમીટરનું ભ્રમણ કર્યું. અને હું માનતો હતો કે હું વધારે ટ્રાવેલિંગ કરું છું”, તેમ બ્રિટિશ પીએમે જણાવ્યું. બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું કે, તેમને બ્રિટિશ અને હિંદુ હોવા પર ગર્વ છે.

તેમણે બાળપણમાં પોતાના પરિવાર સાથે મંદિર જવાની વાતને યાદ કરી. તેમણે કહ્યું કે, સૌથી મોટું મૂલ્ય કર્તવ્ય અથવા સેવા છે. જણાવી દઈએ કે, ઋષિ સુનકે મંચ ઉપર આરતીમાં ભાગ લીધો હતો. આ સિવાય મોરારિ બાપુએ પોતાની કામળી અને શિવલિંગ પણ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું. મોરારિ બાપુની ૯ દિવસની રામકથાનો કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ ગત શનિવારે થયો હતો અને ૨૦ ઓગસ્ટે પૂર્ણાહુતિ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.