PNG ગેસ પાઇપ લાઇન સહિતની અત્યાધુનિક સુવિધાઓ સાથે ભાવનગરમાં 1088 આવાસોનું લોકાર્પણ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આવાસોમાં પી.એન.જી. ગેસ પાઇપ લાઇન કનેકશન સહિતની અત્યાધુનિક સુવિધાઓ વિષે જાણી રાષ્ટ્રપતિશ્રીએ પ્રશંસા કરી
૨૦૨૨ સુધીમાં સૌને આવાસના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને ગુજરાતમાં સાકાર કરવાનો રોડમેપ દર્શાવતું શહેરી આવાસ વિભાગનું પ્રેઝન્ટેશન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ પ્રસ્તુત કરાયું
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત રૂ. ૫૮.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૮૮– ઈ.ડબલ્યુ.એસ -1 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અવસરે સહભાગી થયા હતા.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં PMAYના આ નવનિર્મિત આવાસોના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ દિવાળીના પર્વ પૂર્વે ગૃહ પ્રવેશ કરી રહેલા લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ પ્રતિકરૂપે ૫ લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી હતી. આ પ્રસંગે દિવાળી પૂર્વે ઘરનું ઘર મળતા લાભાર્થીઓમાં મંગલ ગૃહ-પ્રવેશનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આવાસ અર્પણના આ અવસરે ૨૦૨૨ સુધીમાં સૌને આવાસના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને ગુજરાતમાં સાકાર કરવાનો રોડમેપ દર્શાવતું પ્રેઝન્ટેશન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાતના શહેરી આવાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અન્વયે ભાવનગરમાં નિર્માણ પામેલા આ આવાસોમાં બે રૂમ, વોશ એરિયા, રસોડુ, શૌચાલય અને બાથરૂમની સુવિધા ઉપરાંત પી.એન.જી ગેસ પાઇપલાઇન કનેક્શન પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.
એટલુ જ નહીં લીફ્ટ, ફાયર સેફ્ટી, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરીયા, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા જેવી સુવિધાઓ પણ આ વસાહત ધરાવે છે.
રાષ્ટ્રપતિશ્રીએ પી.એન.જી. પાઇપ લાઇન સહિતની અત્યાધુનિક આવાસી સુવિધાઓ વિષે જાણી તેની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતમાં PMAY સહિતના હાઉસિંગ પ્રોજેક્ટ ક્ષેત્રની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮.૨૪ લાખ જેટલા આવાસ મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી ૫.૫૩ લાખ જેટલા આવાસની કામગીરી પુર્ણ કરવામાં આવી છે અને બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે તેમ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
હાઉસીંગ કમિશનર શ્રી લોચન શહેરા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ. ગાંધીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની રુપરેખા રાષ્ટ્રપતિશ્રીને આપી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ નવનિર્મિત આવાસ-યોજનાની તકતીનું અનાવરણ અને આવાસ બ્લોક ખાતે રિબિન કાપી આવાસ પ્રકલ્પનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ શ્રીમતી સવિતા કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી ડો. ભારતીબહેન શિયાળ, મેયર શ્રી કિર્તિબાળા દાણીધારીયા, ધારાસભ્ય શ્રી વિભાવરીબહેન દવે, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા તેમ જ અધિકારી-પદાધિકારીશ્રીઓ આ આવાસ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.