PoKમાં જેલમ નદી પર બંધ બાંધવાની સામે લોકોના દેખાવો
ચીન આ નદી પર ડેમ બનાવી રહ્યું છેઃ લોકોનો વિરોધ-નદીની ઉપર ડેમ ના બનાવો અને અમને જીવવા દો એવા સૂત્રો સાથે લોકોએ ડેમ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ચીન દ્વારા જેલમ નદી પર બનાવવામાં આવી રહેલા ડેમ સામે સ્થાનિક લોકોનો વિરોધ વધારે ઉગ્ર બન્યો છે. ચીનના આ ડેમના વિરોધમાં લોકોએ પીઓકેના મુઝફ્ફરાબાદમાં મંગળવારે એક વિશાળ રેલી કાઢી હતી.આ પહેલા પણ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ માર્ચનું આયોજન કર્યુ હતું. લોકોએ એવાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કે, નદી પર ડેમ ના બનાવો અને અમને જીવવા દો.
દેખાવકારોએ કહ્યું હતું કે, આ ડેમના કારણે પર્યાવરણને બહુ નુકસાન થયુ છે.જોકે ઈમરાનખાન સરકાર તેમની વાત સાંભળવાના મૂડમાં નથી. બીજી તરફ પાકિસ્તાનમાં સોશ્યલ મીડિયા પર પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યુ છે અને લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરીને સરકારને કોસી રહ્યા છે.
દેખાવકારોનું એમ પણ કહેવુ છે કે, કયા કાયદા હેઠળ ડેમ બનાવવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે કરાર થયા છે તે જાહેર કરવામાં આવે.પાકિસ્તાન અને ચીન નદીઓ પર કબ્જો કરીને યુએનમાં થયેલા ઠરાવોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. ચીન આ ડેમ થકી એક હાઈડ્રો પાવર પ્રોજેકટ લોન્ચ કરવાનુ છે.આ પ્રોજેક્ટ ચીનના બેલ્ટ અને રોડ ઈનિશિએટિવનો એક ભાગ છે.આ રોડ થકી ચીન પાકિસ્તાન થઈને યુરોપ, એશિયા અને આફ્રિકા સુધી પહોંચવા માંગે છે. SSS