Western Times News

Gujarati News

રથયાત્રા માટે પોલીસે ક્રોસ કોમ્બિંગની પદ્ધતિ અપનાવીઃ જાણો શું છે આ પદ્ધતિ

રથયાત્રા માટે પોલીસની તૈયારીઃ ઝોન-૫ ડીસીપીએ ક્રોસ કોમ્બિંગની પદ્ધતિ અપનાવી

અમદાવાદ, રથયાત્રાને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગઈ છે ઝોન-૫ ડીસીપી દ્વારા તેમના તાબામાં આવતા આઠેક જેટલા પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈ સહિતનો અન્ય પોલીસ સ્ટાફ સાથે રાખીને મોડી રાતથી વહેલી સવાર સુધી આ કોમ્બિંગ વિસ્તારમાં હાથ ધર્યું હતું.

જેમાં નિકોલ, બાપુનગર, ઓઢવ, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, રામોલ, ગોમતીપુર સહિતના પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં તડીપાર અને પાસાના વોન્ટેડ આરોપીઓ સાથે જ ગેરકાયદેસર હથિયાર રાખતા લોકોની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

રથયાત્રા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શહેર પોલીસની તકેદારીની કામગીરી વધતી જાય છે. શહેરના વિવિધ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો હોય કે પછી વોન્ટેડ આરોપીઓ હોય તે તમામની અટકાયતથી ધરપકડનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે ઝોન-૫ ડીસીપીએ આ વખતે નવતર પ્રયોગ હાથ ધર્યાે,

જેમાં એક કોમ્બિંગ નાઈટ કરવામાં આવી અને ક્રોસ પોલીસ સ્ટેશનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી એટલે બાપુનગર પોલીસને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઇને કામગીરી કરવાની હોય અને બાપુનગર પોલીસને ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈને તડીપારની સજા થયેલા વોનટેડ આરોપીઓને શોધી કાઢવાની કામગીરી સોંપી હતી.

આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈપણ પ્રકારની રહેમનજર કે ઢીલાશ રાખી શકાય નહિ જેથી કરીને આરોપીને ફાયદો થાય અને રથયાત્રાની કામગીરી પર અસર ઊભી થાય નહીં.

અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
રથયાત્રાને હવે એક મહિનો બાકી છે ત્યારે અમદાવાદમાં દર વર્ષની માફક આ વર્ષે રથયાત્રા અગાઉ કોમી એક્તાનો સંદેશ મળી રહે તે માટે જગન્નાથ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ પોલીસ દ્વારા યોજવામાં આવેલા આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનોએ કોમી એક્તાનો સંદેશ મળે તે માટે એકસાથે રક્તદાન કર્યું હતું. રથયાત્રા પહેલાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ સાથે મળી માત્ર ૧૦ કલાકમાં ૫૨૧થી વધુ લોકોએ રક્તદાન કરી કોમી એક્તાનો રંગ બતાવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ગઈ રથયાત્રામાં ૪૦૦ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. પરંતુ આ વર્ષે તે આંકડો વધીને ૫૨૧એ પહોંચ્યો હતો. રથયાત્રા પહેલાં કોમી એક્તાનો માહોલ સર્જાય તે અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.