બુટલેગરોને પકડવા માટે પોલિસ એલર્ટઃ ક્રિસમસ પહેલાં મોટો જથ્થો ઘૂસાડાયો હોવાની શંકા

પ્રતિકાત્મક
ગુજરાતની આજુબાજુના રાજ્યોની બોર્ડર વટાવીને બુટલેગરોએ દારુનો સ્ટોક ફૂલ કરી દીધો છે
(એજન્સી)અમદાવાદ, પોલીસ ગમે તેવી નાકાબંધી કરે, અમને પકડવા એડી ચોટીનું જોર કરે તો પણ અમે તો પાર્ટી કરીશું જ આવા વિચાર સાથે કેટલાક નબીરાઓ નવા વર્ષને આવકારવાની પૂરેપૂરી તૈયારીઓ શરુ કરી દીધી છે. દારૂડિયાઆએ થનગનાટ કરી રહ્યાં છે ત્યારે બુટલેગરે પણ તેમને રીઝવવા માટે દારુનો સ્ટોક ફૂલ કરી દીધો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશની બોર્ડર વટાવીને બુટલેગર્સે તેમના ઠેકાણાં પર દારુનો સ્ટોક ફૂલ કરી દીધો છે.
જેમ જેમ ક્રિસમસ નજીક આવશે તેમ તેમ બુટલેગર દારુનો જથ્થો બહાર કાઢશે અને ઊંચા ભાવમાં વેચશે. આ સાથે કેટલાક નબીરાઓએ તો ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે ગુજરાત બહાર પણ દોડ મૂકવાની તયૈરીઓ કરી દીધી છે. વર્ષ ૨૦૨૩ને બાય બાય કરવા અને વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે યુવાનોએ અવનવાં આયોજન કરી દીધાં છે. ક્યાંક ડી.જે. પાર્ટીની મોજ તો ક્યાંક હુક્કા પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે,
આવી પાર્ટી દારુ વગર અધૂરી હોવાથી યુવાનોએ ઉંચી કિંમતમાં પણ દારુ ખરીદવા તૈયારીઓ કરી દીધી છે.ત્યારે બુટલેગર્સ પણ સ્માર્ટ બનીને બમણી કિમતે દારુ વેચી રહ્યાં છે. પોલીસની ધોંસ વધે તે પહેલાં બુટલેગર્સે સસ્તી કિંમતથી દારૂ વસાવી લીધો છે અને બમણી કિંમતથી વેચવાનો પ્લાન કરી રહ્યા છે.
બુટલેગરના આવા પ્લાન પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ક્રાઈમ બ્રાંચ, પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી), લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સી પાણી ફેરવી દેવા માટે મેદાનમાં ઉતરી છે. હ્યુમન સોર્સની મદદથી તમામ એજન્સીઓ દારૂના જથ્થાને ઝડપી પાડવા માટે એડી ચોટીનું જોર લાગવી રહી છે. બુટલેગર અને દારૂડિયાઓએ દારૂના સ્ટોક ફૂલ કરી દીધો છે.
તાજેતરમાં જ અમરાઈવાડી પોલીસે દરોડા પાડીને એક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વટવા વિસ્તારમાંથી ૧૯૮૬ દારૂની બોટલ ઝડપી પાડી હતી. આ સિવાય સરદાર પટેલ રિંગ રોડ પરથી એસએમસીએ રાજકોટ જઈ રહેલો ૪૧ લાખ રૂપિયાનો દારૂ કન્ટેનરમાંથી ઝડી પાડયો હતો. પોલીસ તેમજ એજન્સીઓ એલર્ટ છે ત્યારે પોલીસ બુટલેગરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવે છે.
ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બૂટલેગર બેફામ બની જાય છે. અમદાવાદના દિવ દમણ ગણાતા સરદારનગર, કુબેરનગર જેવા વિસ્તારોમાં પોલીસ, સ્ટેટ મોનિટરિંગ સેલ, ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. અને દારૂડિયા તેમજ નાના મોટા બુટલેગરને પકડી રહી છે. બે દિવસ પહેલાં સરદારનગર પોલીસે કુબેરનગરમાં શશિકલાના અડ્ડા પર રેડ કરીને મહેફિલનો કેસ કર્યાે હતો અને નવ દારૂડિયા ઝડપી પાડ્યા હતા.
ક્રિસમસના તહેવારમાં બુટલેગર પોતાના ઘરે દારૂનો જથ્થો રાખવાની જગ્યાએ પાડોશમાં ભાડેથી મકાન રાખીને દારૂનો જથ્થો છૂપાવી રહ્યા છે. નાતાલ હોવાથી નવેમ્બર મહિનાથી જ દારૂનો સ્ટોક કરી રાખવામાં આવે છે. સામાન્ય રીતે દારૂનો ભાવ જે હોય છે તેના કરતાં બમણા ભાવે ક્રિસમસમાં વેચવામાં આવે છે.