Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં ખનીજ હેરાફેરીમાં પોલીસના હપ્તાની પોલ ખૂલી

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થાય છે. દેવસર ગામ નજીક ચેકિંગ દરમિયાન ડેપ્યુટી કલેક્ટરે હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કાર ઝડપી લીધી હતી.

કાર ચાલકના મોબાઈલની તપાસમાં રૂપિયાની લેતી-દેતીની ઓડિયો ક્લિપ મળતા, પોલીસની હપ્તાખોરી ઉજાગર થઈ છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખનીજના ડમ્પરનું પાયલોટિંગ કરતી કાર પકડી હતી. આ વખતે આરોપીના મોબાઈલની તપાસમાં એક ઓડિયો ક્લિપ મળી હતી.

આ ઓડિયો ક્લિપમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરાયેલા નંબર ધારક સાથેની વાતચીત સામે આવી છે. વાતચીતમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે. સામેવાળો વ્યક્તિ લીંબડી ડીવાયએસપીનો વહીવટદાર હોવાનો આક્ષેપ થયો છે.

આ કેસની તપાસ ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.બીજી તરફ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં ઉલ્લેખિત નંબર તેમનો કે તેમના સ્ટાફનો નથી.

આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો નંબર છે, અને તેઓએ ક્યારેય આ વ્યક્તિ સાથે વાત કરી નથી. ડીવાયએસપી રબારીએ આ મામલે પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી છે અને યોગ્ય તપાસની માંગ કરી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર ડીઆઈજી દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આઈજી દ્વારા પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર હવે આ ઓડિયો ક્લિપના સત્ય અને તેમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ઓળખ માટે કાર્યરત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.