પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો 14449 નંબર પર ફરિયાદ કરી શકાશે
બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે
ગાંધીનગર, રાજ્યના નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસે એક મહત્વનું પગલું લીધુ છે. પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આપની જાગૃતિ, રાખશે આપને સલામત! જો આપ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવતા હોવ તો ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૧૪૪૪૯ પર સંપર્ક કરો અને સહાય મેળવો.’
બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે. અત્રે જણાવવાનું કે ૧૦ નવેમ્બરે અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલ છે. બોપલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વીરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરીને ખીચડી લઇને પોતાના ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે આ આખો ઝગડો અને હત્યા નો બનાવ બનવા પામ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી વીરેન્દ્ર પઢેરિયા પોતાના ઘરે ગયો હતો અને આરામથી ખીચડી ખાધી હતી. બાદમાં ફરી ઘટના સ્થળ પર જોવા માટે આવ્યો હતો. ઘટના સ્થળ પર કોઈ મળી ન આવતા ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન જોવા માટે ગયો હતો. ત્યાં પણ કોઈ દેખાયું ન હતું, તો ફરી પોતાના ઘરે જઈને ઊંઘી ગયો હતો.
૧૦ નવેમ્બરે બોપલના જે રસ્તા પર દાદાગીરી કરી અને ખાખીનો રૌફ જમાવીને એક નિર્દોષની હત્યા કરી નાખી એના બરાબર ૪ દિવસ બાદ એ જ શખ્સ બેચારો બનીને પોલીસના સકંજામાં હાથ જોડી રહ્યો છે.. આ એ જ શખ્સ છે જેમણે અમદાવાદના બોપલમાં ૧૦ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે સ્ૈંઝ્રછના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો-લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધી લવાયો હતો. વિદ્યાર્થીએ ગાડી ધીમી ચલાવાનું કહેતા આરોપી કોન્સ્ટેબલે વાતને ઇગો પર લઇ પોતાની હેરિયર ગાડીનો યુ-ટન મારી બુલેટ લઇને પોતાની મિત્ર સાથે જતા પ્રિયાંશુની પાછળ ગયો. ત્યાં છરી મારી પ્રિયાંશુની હત્યા કરી નાખી હતી. આરોપી વિરેન્દ્રસિંહની ૧૩ નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી.
વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદાસ્પદ પોલીસકર્મચારી રહી ચૂક્યો છે. તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો. ત્યાર બાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલાં તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે સિક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું એમ કહીને ગયો હતો. હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે.