ઘોડાસરમાં દુકાનમાં ઘૂસી જઈ તલવાર વડે તોડફોડ, ટોળાં સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ, ઘોડાસરમાં વેપારીની દુકાનમાં તોડફોડ કરનાર અસામાજિક તત્ત્વો સામે ફરિયાદ કરવાનું પરિણામ વેપારીને ભોગવવાનું આવ્યું. શનિવારે ૧૫થી ૧૭ માણસો વેપારીની દુકાને આવ્યા અને અગાઉ કેમ અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી કહીને વેપારીને માર મારીને દુકાનમાં પાછી તોડફોડ કરીને નાસી ગયા હતા.
આ મામલે વેપારીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રહલાદ પંચાલ, ક્રિશ મરાઠી તથા અજાણ્યા પંદરથી સત્તર માણસો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘોડાસર કેનાલ પાસે જનરલ સ્ટોરની દુકાન ધરાવી વેપાર કરતા ૪૧ વર્ષીય દર્શન મિસ્ત્રી લક્ષ્મી કોલોનીમાં તેમના પરિવાર સાથે રહે છે.
આજથી વર્ષ અગાઉ તેમની જ સોસાયટીમાં રહેતા બે શખ્સોનો વેપારીના દીકરા સાથે ઝઘડો થયો હતો તે પછી વેપારીએ બંને યુવકો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી તેની અદાવત રાખીને વેપારી સાથે વર્ષ અગાઉથી જ માથાકૂટ ચાલતી રહેતી હતી.
ગત માર્ચ મહિનામાં પણ સોસાયટીમાં રહેતા પ્રહલાદ પંચાલ અને તેનો દીકરો જયમીન તથા ક્રિશ નામના શખ્સોએ વેપારીને રસ્તામાં રોકીને ધમકી આપીને કહ્યું હતું કે સોસાયટીના વહીવટ અને ધાર્મિક કામો બંધ કરી દેજે તેવું કહીને ધમકી આપીને ઝઘડો કર્યો હતો.
આ મામલે પણ વેપારીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે અરજી કરી હતી. ત્યારબાદ ગત શનિવારે સાંજે ક્રિશ મરાઠી, પ્રહલાદ પંચાલ સહિત બીજા ૧૫થી ૧૭ માણસોનું ટોળું વેપારીની દુકાન આવી ચઢ્યું અને દુકાનમાં તોડફોડ શરૂ કરી અને વેપારીને ઢોરમાર માર્યો હતો. આ મામલે વેપારીએ ઈસનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પ્રહલાદ પંચાલ, ક્રિશ મરાઠી તથા અજાણ્યા પંદરથી સત્તર માણસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS