રેતખનન કરતા ઝડપાયેલ ઈસમોએ દંડની રકમ ન ભરતા ભુસ્તર વિભાગની પોલીસમાં ફરિયાદ
ભુસ્તર વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ ઈસમોને રૂપિયા ૧૫.૭૧ લાખનો દંડ કરવામાં આવ્યો હતો
ભરૂચ, ભુસ્તર વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ ઈસમોને રૂપિયા ૧૫.૭૧ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.જે દંડ નહિ ભરવામાં આવતા ભરૂચ ભૂસ્તર વિભાગે ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થતા રેતખનનનો મુદ્દો અવાર નવાર ચર્ચામાં આવે છે.નર્મદામાં થતા રેતખનનમાં મોટાપાયે રોયલ્ટી ચોરી થતી હોવાની બુમો વારંવાર ઉઠતી હોય છે.
ભરૂચ ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈ મહિનાની ૮ મી તારીખના રોજ રાતના સાડા દસ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક નર્મદાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેત ખનન કરતા મશીન જોવા મળ્યા હતા.ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં પાંચ ટ્રકો પણ જોવા મળતા ભુસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પુછતા જાણવા મળેલ કે આ ટ્રકો રેતી ભરવા આવેલ હતી.
ઘટના સ્થળે હાજર એસ્કવેટર મશીનની બાજુમાં રેતીનું તાજુ ખોદકામ થયું હોવાનું પણ જણાયું હતું.ભુસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજુ કરી શકેલ નહિ. તેને લઇને કોઇપણ જાતની સરકારી મંજુરી વિના રેતીનું બિનઅધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બન્યું હતું.
ત્યાર બાદ નર્મદાના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી બે મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કથિત સંડોવાયેલ મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુસ્તર વિભાગ દ્વારા જરુરી તપાસ બાદ નર્મદાના પટ માંથી ઝડપાયેલ આ રેતી ખોદકામના મુદ્દે તેમાં કસુરવાર ઈસમોને કુલ રુપિયા ૧૫,૭૧,૧૬૨ નો દંડ ફટકારવામાં આવ્યો હતો
જોકે આ ઘટનાના કથિત જવાબદાર વ્યક્તિએ ભુસ્તર વિભાગ દ્વારા ફટકારાયેલ દંડની રકમ ન ભરતા ભરૂચ ભુસ્તર વિભાગ દ્વારા ગતરોજ તા.૧૭ મીના રોજ ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર ચિતરંજન જરીલાલ રામ મુળ રહે.બિહાર,હિટાચી મશીનના ચાલક અને માલિક,ટ્રક માલિક સારાભાઈ મેપાભાઈ ભરવાડ રહે.કિમ જી.સુરતના તેમજ પોલીસ તપાસ દરમ્યાન જે કોઈના નામ બહાર આવે તે તમામ વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં બીએનએસની કલમ ૩૦૩(૨),૫૪ અને ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકામ,હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધાવી હતી.