પોલીસે ૩૦ હજારથી વધુના દારૂ સાથે એકની અટકાયત કરી
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર શહેર પોલીસે સરદાર હોસ્પિટલ રોડ પર આવેલી કરિયાણાની દુકાન માંથી બાતમીના આધારે પોલીસે ૬૭ નંગ બોટલો મળી કુલ ૩૦ હાજર ઉપરાંતનો વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ હદ વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતો.
તે દરમ્યાન માહિતી મળી હતી કે શહેરનાં સ્ટેશન ચોકીથી સરદાર પટેલ હોસ્પીટલ રોડ ઉપર આવેલી જુની સહારા બેન્કની બાજુમાં જય જલારામ કરિયાણા સ્ટોરમાં સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદી પોતાની કરિયાણાની દુકાનમાં ઈંગ્લીશ દારૂ સંતાડી રાખી ગેરકાયદેસર વેંચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ માહિતીના આધારે પોલીસે બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ પાડી તેની દુકાનમાં તપાસ કરતાં દુકાનની ઉપરના પ્રથમ માળમાં આવેલા લાકડાના કબાટ માંથી ત્રણ મીણીયા કોથળા માંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બાનવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદીને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી એમ કુલ ૬૭ નંગ બોટલો મળીને કુલ રૂ.૩૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ) (ઈ),૧૧૬ (બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.