પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું

ડીસા, ડીસાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં થયેલા ૨૧ શ્રમિકના મોતને મામલે આરોપીઓ ખૂબચંદ સિંધી અને તેના પુત્રને ગુરૂવારે (ત્રીજી એપ્રિલ) ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તપાસ અધિકારીએ આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે કારણો દર્શાવતું સોગંદનામુ રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા ૧૧મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરાતા પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અંતે રિમાન્ડના કારણોમાં સ્વીકારવામાં આવ્યું છે કે, ગોડાઉનમાંથી ગુનાવાળી જગ્યાના પંચનામા દરમિયાન જે ૨૪ આર્ટિકલ્સ મળી આવ્યા.
તેમાં જ્વલનશીલ પદાર્થના નમુનાઓ એફએસએલની સૂચના મુજબ કબજે કરાયા છે. તે ફટાકડા બનાવવાનો કાચો માલ આ કામના આરોપીઓ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા, તેમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ ચાલી રહી છે. ગોડાઉનમાંથી ફટાકડા બનાવવાનું મટિરિયલ રો મટિરિયલ મળી આવ્યું હતું.
રો મટિરિયલ ક્યાંથી અને કોના દ્વારા મેળવાતું હતું તેના અંગે આરોપીઓએ હજુ મોંઢા પર તાળા લગાવ્યા છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલામાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ દ્વારા બાળકો પાસે બાળ મજૂરી કરાવાતા હતા કે, કેમ તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત દીપક ટ્રેડર્સમાં પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ ભાગીદાર હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુનો કર્યા બાદ પાલનપુર થઈ સાબરકાંઠા ગયા તે દરમિયાન કોને મળ્યા તેની પણ હાલમાં તપાસ ચાલી રહી છે. આ પ્રકારના ૧૬ જેટલા મુદ્દાઓ રજૂ કરી સરકાર દ્વારા ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
જેમાં કોર્ટે દ્વારા આગામી ૧૧મી એપ્રિલના બપોરના ૧૧ઃ૩૦ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરાવમાં આવ્યા છે. જે બાદ તપાસ અમલદારે બંને આરોપીઓનો કબજો સંભાળી તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા.
આ મામલે સાપરાધ મનુષ્યવધ તેમજ અન્ય ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ૧૦ વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. આ કેસમાં સરકાર તરફે ડીસાના ગ્રામ્ય મામલતદાર બારોટ ફરિયાદી બન્યા છે.
ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ થયેલી બે વ્યક્તિના માત્ર માનવ અંગોના અવશેષ મળ્યા છે. તેમના ડીએનએ સેમ્પલ તપાસમાં મોકલાયા છે. આ માનવ અંગોના અવશેષ એક બાળક અને એક મહિલાનો હોવાની સંભાવના છે.SS1MS