દહેજની બેરલ કંપનીમાંથી શંકાસ્પદ કેમીકલ ભરેલા ૨૦ બેરલો પોલીસને મળ્યાઃ એકની ધરપકડ
૮.૨૭ લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના એક ઈસમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરા તાલુકાના ગલેન્ડા ગામની સીમમાં આવેલી વંદના બેરલ નામની કંપની માંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડી કુલ ૮.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.આ સમયે પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે ગલેન્ડા ગામ પાસે આવેલી વંદના બેરેલ નામની કંપનીમાં શંકાસ્પદ કેમિકલના બેરલો પડેલા છે.જેથી પોલીસે સ્થળ તપાસ કરતા વોશિંગ એરીયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડનાં આશરે ૨૦૦ – ૨૦૦ લીટરના અલગ – અલગ પ્રવાહી
તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા ૨૦ બેરલો મળી આવ્યા હતા.આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસમડીના ગાર્ડન સીટીમાં રહેતાં કિશોર મોહનભાઈ ભદ્રાને આ ઘન પ્રવાહી અંગે બીલ કે આધાર પુરાવા માંગતા તેણે તે નહિ હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપ્યા હતા.જેથી આ ઘન પ્રવાહી તેમણે ચોરી અથવા છળકપટથી મેળવ્યું હોય તેમ જણાઈ આવ્યું હતું.
પોલીસે અલગ અલગ બેરલો ભરેલા ઘન પ્રવાહી કેમીકલ લીટર ૩,૯૦૦ જેની કિંમત રૂપિયા ૮,૨૭,૦૦૦ ગણીને કબ્જે કરવામાં આવ્યું છે.પોલીસે કિશોર ભદ્રાની સીઆરપીસી કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી અને તમામ મુદ્દામાલ સીઆરપી કલમ ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં ઔ વસાહતો આવેલી છે જેમાં નાની મોટી ધણી કેમિકલ કંપનીઓ આવેલી છે જે કંપનીઓ માંથી નીકળતા કેમિકલ વેસ્ટ અથવા તો ચોરી કરેલ કેમિકલ ને આ રીતે બેરલ માં ભરી તેને સગેવગે કરવામાં આવતું હોય છે.જેથી પોલીસ અને જીપીસીબી માટે આવા શંકાસ્પદ ભરેલા બેરલની તપાસ કરવામાં આવે તો ધણી કંપનીઓ અને વેરહાઉસ માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલા બેરલ મળી આવે તેમ છે.